<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

વાવાઝોડુ ‘ફેંગલ' વિકરાળ બની રહ્યુ છે : ઈસરોના સેટેલાઈટ બાજ નજર રાખી રહ્યા છે : ૪૮ કલાકમાં ઝંઝાવાતી પવન સાથે તોફાની વરસાદ તૂટી પડશે : શાળાઓમાં રજા જાહેરઃ ચેન્‍નાઈથી ૪૫૦ કિ.મી. અને નાગાપટ્ટીનમથી ૩૦૦ કિ.મી. દૂર પહોંચ્‍યુઃ આજથી ૩ દિવસ તામિલનાડુ, આંધ્ર, રાયલસીમા, કેરળ, માહે, કર્ણાટક, કરાઈકલ અને પુડ્ડુચેરીમાં ભારે થી અતિ ભારે વરસાદની ચેતવણી

ચેન્‍નાઈ :  ભારતીય હવામાન તંત્રના જણાવ્‍યા અનુસાર, હાલમાં બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું તીવ્ર બની રહ્યું છે. જેના કારણે આગામી ૪૮ કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં પણ પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. પુડુચેરીના ગળહમંત્રી એ નમાસિવાયમે અહીંની તમામ શાળાઓમાં આગામી બે દિવસ માટે રજાની જાહેરાત કરી છે.

ચેન્નાઈ પ્રાદેશિક હવામાન કેન્‍દ્રના નિર્દેશક એસ બાલાચંદ્રને કહ્યું કે બંગાળની ખાડીમાં તીવ્ર દબાણનો વિસ્‍તાર બની રહ્યો છે. તેમજ વાવાઝોડું નાગાપટ્ટિનમ દક્ષિણ પૂર્વથી લગભગ ૩૧૦ કિમી, પુડુચેરી દક્ષિણ પૂર્વથી ૪૧૦ કિમી અને ચેન્નાઈથી ૪૮૦ કિમી દૂર છે. જયારે તમિલનાડુમાં નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્‍તારોમાં રહેતા લોકોને સલામતીના ધોરણોનું પાલન કરવા માટે કહેવામાં આવ્‍યું છે.

પ્રાદેશિક હવામાન કેન્‍દ્રના જણાવ્‍યા અનુસાર ફેંગલ વાવાઝોડું શ્રીલંકાના દરિયાકાંઠે લગભગ ઉત્તર- ઉત્તર પヘમિ તરફ આગળ વધશે. તે આગામી ૧૨ કલાક દરમિયાન ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે. જેથી ૩૦મી નવેમ્‍બરની સવારની આસપાસ, તે તીવ્ર દબાણ વિસ્‍તાર તરીકે કરાઈકલ અને મહાબલીપુરમ વચ્‍ચે ઉત્તરીય તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરશે. આ સમયગાળા દરમિયાન, ૫૦-૬૦ થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર ૨૯ અને ૩૦ નવેમ્‍બરે તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં ૨૯ નવેમ્‍બરે ભારે વરસાદની સંભાવના છે. કેરળ, માહે અને દક્ષિણ કર્ણાટક તેમજ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજે અને કાલે ૩૦ નવેમ્‍બર અને ૧ ડિસેમ્‍બરે ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. ઈસરો ૨૩ નવેમ્‍બરથી સ્‍થિતિ પર નજર રાખી રહ્યું છે. લોકોની મદદ માટે નેવી, એચએડીઆર અને એસએઆર ટીમો તૈનાત છે.

(2:53 PM IST)