<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

ગુજરાતની કોર્ટમાં ૧૫ લાખથી વધુ કેસનો ભરાવોઃ જ્‍યુડિશિયલ ઓફિસરની ૫૩૫ જગ્‍યા ખાલી

૧૫ નવેમ્‍બર, ૨૦૨૪ સુધીમાં ૩.૫ લાખ સિવિલ કેસ, ૧૨.૧૧ લાખ ક્રિમિનલ કેસ અને ૩૦ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૪ સુધી ફેમિલી કોર્ટમાં ૫૦,૧૨૮ કેસ પેન્‍ડિંગ

નવી દિલ્‍હીઃ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહયું છે. રાજ્‍યસભામાં કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાતની ડિસ્‍ટ્રિક્‍ટ અને સબ ઓર્ડિનેટ કોર્ટમાં ૧૫.૬૧ લાખ કેસનો ભરાવો થયો છે. રાજ્‍યસભામાં આપવામાં આવેલા આંકડા મુજબ, ૧૫ નવેમ્‍બર, ૨૦૨૪ સુધીમાં ૩.૫ લાખ સિવિલ કેસ, ૧૨.૧૧ લાખ ક્રિમિનલ કેસ અને ૩૦ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૪ સુધી ફેમિલી કોર્ટમાં ૫૦,૧૨૮ કેસ પેન્‍ડિંગ છે. આ ઉપરાંત ડિસ્‍ટ્રિક્‍ટ અને સબઓર્ડિનેટ કોર્ટોમાં ૨૧ નવેમ્‍બર, ૨૦૨૪ સુધીમાં જ્‍યુડિશિયલ ઓફિસરની ૫૩૫ જગ્‍યા ખાલી છે. રાજ્‍યસભા સાસંદ નીરજ શેખર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.

૧૫ નવેમ્‍બર, ૨૦૨૪ સુધી રાજ્‍યમાં ૧૫,૬૧,૧૯૬ કેસ પેન્‍ડિંગ હતા, જેમાંથી ૩,૫૦,૧૬૬ સિવિલ કેસ, ૧૨,૧૧,૦૩૦ ક્રિમિનલ કેસ હતા. ૧ જાન્‍યુઆરી, ૨૦૨૪ની તુલનાએ કેસમાં ઘટાડો થયો હતો. ૧ જાન્‍યુઆરી સુધી રાજ્‍યમાં ૧૫,૮૯,૪૬૮ કેસનો બેકલોગ હતો.

૨૦૨૩ની તુલનામાં ૨૦૨૪માં કેસમાં વધારો થયો કે ઘટાડો?

સરકારી આંકડા પ્રમાણે, ગુજરાતમાં ૨૦૨૩ની તુલનામાં ૨૦૨૪માં ડિસ્‍ટ્રિક્‍ટ અને સબઓર્ડિનેટ કોર્ટમાં કેસનું ભારણ થોડું ઘટયું હતું. સિવિલ કેસ ૩,૭૭,૩૮૨થી ઘટીને ૩,૫૦,૧૬૬ થયા હતા, એટલે કે ૨૭,૨૧૬ કેસનો એક વર્ષમાં ઘટાડો થયો હતો. આવી જ રીતે સમાનગાળામાં ક્રિમિનલ કેસમાં પણ નોંધનીય ઘટાડો થયો હતો. ૨૦૨૩ના ૧૨,૫૮,૩૭૫ની સામે ૨૦૨૪માં ક્રિમિનલ કેસ ઘટીને ૧૨,૧૧,૦૩૦ થયા હતા. ક્રિમિનલ કેસમાં એક વર્ષમાં ૪૭,૩૪૫નો ઘટાડો થયો હતો.

કાયદા મંત્રાલયે, આજે રાજ્‍યસભામાં અન્‍ય એક પ્રશ્નના જવાબમાં, ભારતભરની ફેમિલી કોર્ટમાં પડતર કેસોની પણ માહિતી આપી હતી, જે મુજબ ૩૦ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૪ સુધીમાં ગુજરાતમાં ૫૦ ફેમિલી કોર્ટ કાર્યરત છે. ૨૦૨૨માં આ અદાલતોમાં ૨૪,૯૧૦ કેસ નોંધાયા હતા, જે ૨૦૨૩માં વધીને ૨૭,૧૯૪ અને ૨૦૨૪માં વધીને ૪૪,૦૩૭ થયા હતા.

ઉપરાંત કેસના નિકાસની સંખ્‍યામાં વધારો થયો હતો. ૨૦૨૨માં ૨૬,૫૫૭ ૨૦૨૩માં ૩૦,૦૮૪ અને ૨૦૨૪માં ૩૦,૬૫૯ કેસોનો નિકાલ થયો હતો. આમ, પડતર કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ૨૦૨૨માં ૩૪,૭૬૧થી ઘટીને ૨૦૨૩માં ૩૧,૯૫૪ નોંધાયા હતા. જ્‍યારે ૨૦૨૪માં અચાનક વધીને ૫૦,૧૨૮ પર પહોંચ્‍યા હતા.

(9:42 AM IST)