News of Friday, 29th November 2024
PMJAY માં ૭૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકોની નોંધણી ધીમી
મંત્રાલયે ૭૦ વર્ષ અને તેથી વધુ વયના ૬ કરોડ વૃદ્ધોને સ્વાસ્થ્ય વીમાની સુવિધા આપવાનું લક્ષ્ય રાખ્યું હતું : પરંતુ માત્ર ૩ ટકા જ એક મહિનામાં નોંધણી

કેન્દ્ર સરકારે તાજેતરમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB–PM Jai) નો વ્યાપ ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકો સુધી પહોંચાડવા માટે વિસ્તાર્યો છે. પરંતુ વિસ્તરણ પછી, આરોગ્ય મંત્રાલય દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકના માત્ર ૩ ટકા જ એક મહિનામાં પ્રાપ્ત થઈ શકયું છે. આ અંતર્ગત મંત્રાલયે ૭૦ વર્ષ અને તેથી વધુ વયના ૬ કરોડ વૃદ્ધોને સ્વાસ્થ્ય વીમાની સુવિધા આપવાનું લક્ષ્ય રાખ્યું હતું.
૨૮ નવેમ્બરની સાંજ સુધી નેશનલ હેલ્થ ઓથોરિટી પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર, ૭૦ વર્ષ અને તેથી વધુ વયના લગભગ ૧૮.૭ લાખ વૃદ્ધ લાભાર્થીઓએ પીએમ જયમાં જોડાવા માટે નોંધણી કરાવી છે. સરકારે લક્ષ્ય હાંસલ કરવા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી પરંતુ તેની ધીમી ગતિને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નેશનલ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટરના સલાહકાર (જાહેર આરોગ્ય વહીવટ) અને નીતિ આયોગના ભૂતપૂર્વ વરિષ્ઠ સલાહકાર ડૉ. કે. મદન ગોપાલે જણાવ્યું હતું કે પ્રથમ મહિનામાં માત્ર ૩ ટકા લાભાર્થીઓની નોંધણી દર્શાવે છે કે નક્કર પહેલ કરવી પડશે. તેમના સુધી પહોંચવા માટે, પ્રક્રિયાને સરળ બનાવવા માટે સ્થાનિક સ્તરે જાગળતિ અને સુલભતાના અભાવને દૂર કરવા માટે પ્રયત્નો કરવા પડશે. તેમણે કહ્યું, આ ક્રાંતિકારી પહેલનો સંપૂર્ણ લાભ લેવા માટે લોકોને માહિતી અને સહાય પૂરી પાડવાની જરૂર છે.
નામ ન આપવાની શરતે એક નિષ્ણાતે કહ્યું, ધીમી ગતિનું એક કારણ એ છે કે મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા રાજ્યોમાં તાજેતરમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી, જેના કારણે ત્યાં પીએમ જયનો કાર્યક્ષેત્ર લાગુ થઈ શકયો ન હતો. આ પછી, ૭૦ વર્ષ અને તેથી વધુ વયના તમામ વૃદ્ધોને વાર્ષિક ૫ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે, તેમની આવકને ધ્યાનમાં લીધા વિના. આ યોજના હેઠળ જેનું કુટુંબ પહેલેથી જ નોંધાયેલ છે તે વૃદ્ધોને માત્ર કુટુંબનો લાભ જ નહીં મળે પરંતુ પુનઃ નોંધણી પર પોતાને માટે ૫ લાખ રૂપિયાનો ટોપ-અપ વીમો પણ મળશે.
ડેટા દર્શાવે છે કે અત્યાર સુધીમાં ૧૩.૪ લાખ નવા લાભાર્થીઓ નોંધાયા છે, પરંતુ તેમાંથી ૫.૨૮ લાખ પહેલાથી જ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને ટોપ-અપ માટે ફરીથી નોંધણી કરાવી છે. નેશનલ હેલ્થ ઓથોરિટીના ડેટા અનુસાર, વિસ્તળત યોજના હેઠળ વધારાના લાભો મેળવવાની માંગ કરતી ૨૬૦ થી વધુ અરજીઓ નકારી કાઢવામાં આવી છે.
તમામ વરિષ્ઠ નાગરિકોને અલગ આયુષ્માન વય વંદના કાર્ડ મળશે, જે આયુષ્માન કાર્ડથી અલગ હશે. નિયમોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લાભાર્થીઓએ ખાનગી સ્વાસ્થ્ય વીમો મેળવ્યો છે અથવા જેઓ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) હેઠળ વીમા સુવિધા મેળવી રહ્યા છે તેઓ પણ PM જયનો લાભ મેળવી શકશે.
વૃદ્ધ લોકોની નોંધણીની ધીમી ગતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ કેટલાક રાજ્યો આમાં ઘણા આગળ છે. ઉદાહરણ તરીકે, મધ્યપ્રદેશ ૭,૦૯,૨૦૦ નોંધણી સાથે ૭૦ વર્ષથી વધુ વયના નવા અને જૂના બંને લાભાર્થીઓની શ્રેણીમાં આગળ છે. રાજ્યો પાસે ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની વસ્તી અંગે અલગ ડેટા નથી અને સરકારી અહેવાલો માત્ર ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોની સંખ્યા આપે છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના અહેવાલ મુજબ, મધ્યપ્રદેશમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની વસ્તી ૨૦૨૧ માં લગભગ ૭૧ લાખ હતી, જે રાજ્યની કુલ વસ્તીના લગભગ ૮.૫ ટકા છે.
નોંધણીની ગતિમાં કેરળ ૩,૯૬,૫૨૨ નવા કાર્ડ સાથે બીજા ક્રમે છે. ત્યાં, ૨૦૨૧ માં, ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની વસ્તી લગભગ ૫૮ લાખ હતી, જે કુલ વસ્તીના લગભગ ૧૬.૫ ટકા છે. ૨,૫૫,૩૧૮ નવા રજીસ્ટ્રેશન સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે. આંધ્ર પ્રદેશમાં ૧૦,૯૨૫ અને તેલંગાણામાં ૮,૮૬૪ નોંધણી સાથે ગતિ ખૂબ જ ધીમી છે, જ્યારે ત્યાં આ વીમાનો ઉપાડ સામાન્ય રીતે ઘણો વધારે છે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
