News of Tuesday, 3rd September 2024
નરેન્દ્રભાઇ બ્રુનેઇ અને સિંગાપોરના ત્રી દિવસીય પ્રવાસે

નવી દિલ્હી, ૩ : નરેન્દ્રભાઇ આજથી બ્રુનેઈના પ્રવાસે રવાના થઈ ગયા છે. તેમની મુલાકાત એક દિવસ સુધી ચાલશે. આ પછી તેઓ બુધવારે બે દિવસીય પ્રવાસ માટે રવાના થશે. પીએમ મોદીની બ્રુનેઈ અને સિંગાપુરની આ ત્રણ દિવસીય મુલાકાતને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
પીએમ મોદી આ ત્રણ દિવસીય પ્રવાસની શરૂઆત બ્રુનેઈથી કરી રહ્યા છે. તેઓ સુલતાન હસનલ બોલ્કિયાના આમંત્રણ પર બ્રુનેઈ પહોંચી રહ્યા છે. તેઓ બ્રુનેઈની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન હશે. આ વર્ષે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના ૪૦ વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેઓ આગામી બે દિવસ માટે બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસ પર હશે. આ દેશોમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપતી વખતે, આ દેશો સાથે ભારતના સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારત અને બ્રુનેઈ રાજદ્વારી સંબંધોના ૪૦ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે.
આ મુલાકાતથી બંને દેશો વચ્ચે ક્રૂડ ઓઈલ અને હાઈડ્રોકાર્બનના ક્ષેત્રમાં પણ સંબંધો મજબૂત થશે. આ પ્રવાસ સેમિકન્ડક્ટર અને હાઇડ્રોકાર્બનની આયાત પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે. આ ક્ષેત્રમાં કેટલાક કરારો પણ થઈ શકે છે.
નરેન્દ્રભાઇ કાલથી સિંગાપોરની બે દિવસીય મુલાકાતે જશે. પીએમ મોદીની સિંગાપુરની આ પાંચમી મુલાકાત હશે. તેઓ વડાપ્રધાન લોરેન્સ વોંગના આમંત્રણ પર સિંગાપુર જઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી સિંગાપોરના રાષ્ટ્રપતિ થર્મન ષણમુગરત્નમને પણ મળશે. આ સાથે સિંગાપોરના બિઝનેસ લીડર્સ સાથેની તેમની મુલાકાત આ પ્રવાસનો મહત્વનો મુદ્દો છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
