<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

લાખો રૂપિયાની નોકરીની લાલચમાં સાઉદી ગયો તો કામ સોંપાયું બકરીઓને ચરાવવાનું

ડ્રાઇવરની નોકરી મળશે એવી લાલચ આપી થઇ છેતરપીંડી

લખનૌ, તા.૩: આજકાલ વિદેશ નોકરીની લાલચ આપી છેતરપિંડીની ઘણી ઘટનાઓ સામે આવે છે. હાલમાં જ સાઉદી અરબમાં કામ કરવા મામલે એક યુવક સાથે છેતરપિંડીનો કેસ સામે આવ્‍યો છે. યુવકને સાઉદી અરબ મોકલી તો દીધો, પરંતુ ત્‍યાં તેને એવું કામ સોંપવામાં આવ્‍યું જેના વિશે જાણીને તમે ચોંકી જશો.

લખનઉના એક બેરોજગાર યુવકને સાઉદી અરબમાં ડ્રાઇવરની નોકરી આપવાના નામે એજન્‍ટોએ એક લાખ રૂપિયા લીધા હતા. યુવક જ્‍યારે સાઉદી અરબ પહોંચ્‍યો ત્‍યારે તેને જે કામ મળ્‍યું તેના વિશે જાણીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ડ્રાઇવરની નોકરી કરવા પહોંચેલા યુવકને બકરી ચરાવવાનું કામ સોંપવામાં આવ્‍યું. જ્‍યારે યુવકે તેનો વિરોધ કર્યો તો તેને ધમકી આપવામાં આવી. યુવક ૧૫ દિવસ નોકરી કર્યા પછી ત્‍યાંથી ભાગી છૂટયો અને ટ્રાવેલ્‍સ એજન્‍સી સંચાલક સામે ગાજીપુર પોલીસ સ્‍ટેશનમાં કેસ નોંધાવ્‍યો. આરોપ છે કે, સંચાલકે સેંકડો લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરી છે.

પીડિત હરદોઈના સંડીલાનો રહેવાસી છે. જુલ્‍ફિકાર અલીના જણાવ્‍યા અનુસાર ફૈઝાબાદ રોડ કૈલાશ કુંજમાં ‘ન્‍યૂ અરવિંદ એન્‍ડ ટ્રાવેલ્‍સ' નામે એક ઓફિસ છે. તેની સંચાલક ગુડ્ડુ અને એજન્‍ટ કમરુદ્દીન સાથે ૨૦૨૧માં મુલાકાત થઈ હતી.

બંનેએ સાઉદીમાં ડ્રાઇવરની નોકરીની લાલચ આપી અને વિઝા સહિત અન્‍ય મદદનો હવાલો આપતા એક લાખ રૂપિયા પડાવી લીધા હતા. તે નોકરી માટે ફ્‌લાઇટની ટિકિટ લઈને મુંબઈ પહોંચ્‍યો. જ્‍યાં તેને વીઝા મળ્‍યા. ૨૩ જાન્‍યુઆરીએ તે દુબઈ પહોંચ્‍યો. દુબઈમાં ૧૪ દિવસ સુધી ક્‍વોરન્‍ટાઇન રહ્યો.

૬ ફેબ્રુઆરીએ ગુડ્ડુએ ફોન કરીને દુબઈમાં કફીલ નામના વ્‍યક્‍તિનો મોબાઇલ નંબર આપ્‍યો. કફીલને ફોન કર્યો તો તેણે પોતાની પાસે બોલાવી લીધો. ત્‍યાં તેને એક રૂમમાં રાખવામાં આવ્‍યો. પછીના દિવસે તેને બકરી ચરાવવાનું કામ સોંપવામાં આવ્‍યું.

જુલ્‍ફીકારે જણાવ્‍યું કે, તે સવાર-સાંજ બકરીઓ ચરાવતો હતો. તે જ્‍યારે તેનો વિરોધ કરતો તો તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હતું. ૧૫ દિવસ પછી તે ત્‍યાંથી ભાગી છૂટયો. અહીં ગુડ્ડુ અને કમરુદ્દીનનો વિરોધ કરતા તેઓએ ધમકી આપી. ત્‍યારબાદ ગાજીપુર પોલીસ સ્‍ટેશનમાં બંને સામે કેસ દાખલ કરવામાં આવ્‍યો.

(10:30 AM IST)