તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
૫૧ લાખનો પાડો છોટા સુલ્તાન દર મહિને ૩-કિલો ઘી ખાય જાય છેઃ ૮૦૦ કિલો વજન
પુષ્કર મેળામાં છોટા સુલતાન નામનો મુર્રાહ પ્રજાતિનો ૮૦૦ કિલોગ્રામ વજન ધરાવતો પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો : ગ્વાલિયરથી લાવવામાં આવેલા આ પાડાની લંબાઈ ૯ ફૂટ અને ઊંચાઈ ૫.૫ ફૂટ છે તેની દેખભાળ પાછળ દરરોજ લગભગ ૧૫૦૦ રૂપિયાનો ખર્ચ

અજમેર તા.૨૧: વિશ્વપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય પુષ્કર મેળો આજે 'બ્રહ્મા નગરી' પુષ્કરમાં સત્તાવાર રીતે શરૂ થયો છે. દેશભરમાંથી પશુપાલકો અહીં ઉત્તમ નસલના પશુઓ લઈને આવ્યા છે. મેળામાં અનેક પ્રભાવશાળી અને ઉચ્ચ ગુણવત્તાવાળી નસલો જોવા મળી રહી છે, જે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓનું ધ્યાન ખેંચી રહી છે. આ બધાની વચ્ચે, ૫૧ લાખ રૂપિયાની કિમત ધરાવતો ૮૦૦ કિલોગ્રામ વજનનો પાડો મુખ્ય આકર્ષણ બન્યો છે. 'છોટા સુલતાન' નામનો આ પાડો તેના વિશાળ કદ અને આકર્ષક દેખાવને કારણે ચર્ચાનો વિષય બન્યો છે.
તેના માલિક જગેશ તેને ગ્વાલિયરથી લાવ્યા છે. છોટા સુલતાન સાડા ત્રણ વર્ષનો મુર્રાહ પ્રજાતિનો પાડો છે. તેનું વજન લગભગ ૮૦૦ કિલોગ્રામ છે, તે ૫.૫ ફૂટ ઊંચો છે અને તેની લંબાઈ લગભગ ૯ ફૂટ છે. તેનું ભવ્ય કદ અને આકર્ષક શારીરિક બાંધો જોઈને મેળામાં આવતા લોકો ત્યાં અટકી જાય છે અને તેને નજીકથી નિહાળે છે. અન્ય પશુપાલકો પણ તેની નસલ અને તેની દેખભાળ વિશે પૂછપરછ કરી રહ્યા છે.
માલિકે વધુમાં જણાવ્યું કે છોટા સુલાતાનનો આહાર ખૂબ જ ખાસ છે; તેને દર મહિને લગભગ ૩ કિલોગ્રામ ઘીની સાથે રાઈ અને તલનું તેલ આપવામાં આવે છે. તેના ખોરાક અને દેખભાળ પાછળ દરરોજ લગભગ ૧૫૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. તેઓ કહે છે કે આટલા વિશાળ કદના પાડાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે તેના આહાર અને દેખભાળ પર વિશેષ ધ્યાન આપવું પડે છે. જગેશના જણાવ્યા અનુસાર, તેમણે પુષ્કર મેળામાં છોટા સુલતાનની કિમત ૫૧ લાખ રૂપિયા નક્કી કરી છે. મેળામાં આવતા ઘણા પશુપાલકો અને સંભવિત ખરીદદારો તેની કિમત અને વિશેષતાઓ વિશે પૂછપરછ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેને ખરીદવા માટેનો કોઈ સોદો નક્કી થયો નથી.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
