News of Sunday, 22nd November 2026
હૈદરાબાદમાં 26/11 જેવા ભયાનક આતંકી હુમલાની ધમકી: '300 લોકોના જીવ લઈશું' : લતીફ ભટના મોતનો બદલો લેવા લશ્કર-એ-તૈયબાનો ખોફનાક ઈમેલ
કાશ્મીરના કુલગામ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આતંકવાદી લતીફ ભટના મોતનો બદલો લેવા કાચીગુડા રેલવે સ્ટેશન અને હોટેલ ટુરિસ્ટ પ્લાઝાને બોમ્બથી ઉડાવી દેવાની ચીમકી મળતા જ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ : સમગ્ર શહેરમાં હાઈ એલર્ટ જાહેર

હૈદરાબાદ: દક્ષિણ ભારતના આઈટી હબ ગણાતા હૈદરાબાદ શહેરને હચમચાવી નાખવાના એક મોટા આતંકવાદી ષડયંત્રની આશંકાએ સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના નામે મોકલવામાં આવેલા એક સનસનીખેજ ધમકીભર્યા ઈમેલમાં શહેરમાં મુંબઈના 26/11 જેવો લોહિયાળ હુમલો કરવાની અને ઓછામાં ઓછા 300 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવાની ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. આ ઈમેલમાં ખાસ કરીને ભીડભાડવાળા કાચીગુડા રેલવે સ્ટેશન અને તેની નજીક આવેલી હોટેલ ટુરિસ્ટ પ્લાઝાને બોમ્બ વિસ્ફોટથી નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ખોફનાક ધમકી પાછળનું મુખ્ય કારણ તાજેતરમાં કાશ્મીરમાં થયેલી સુરક્ષા દળોની મોટી કાર્યવાહી હોવાનું જણાવવામાં આવ્યું છે. ઈમેલ મોકલનાર શખ્સે દાવો કર્યો છે કે ગત 18 નવેમ્બરના રોજ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના જંગલપોરામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઠાર મરાયેલા લશ્કરના આતંકવાદી લતીફ ભટ અને તેના સાથીઓના મોતનો બદલો લેવા માટે આ હુમલાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. આ મામલાની ગંભીરતાને જોતા હૈદરાબાદના સંયુક્ત પોલીસ કમિશનર (સ્પેશિયલ બ્રાન્ચ) દ્વારા તાત્કાલિક અસરથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પત્ર લખીને જીવન અને સંપત્તિની સુરક્ષા માટે કડક પગલાં ભરવા આદેશ આપવામાં આવ્યો છે.
ધમકીભર્યો સંદેશ મળતાની સાથે જ સમગ્ર હૈદરાબાદ શહેરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને પોલીસ તંત્ર હાઈ એલર્ટ મોડ પર આવી ગયું છે. કાચીગુડા રેલવે સ્ટેશન અને હોટેલ ટુરિસ્ટ પ્લાઝા ઉપરાંત શહેરના તમામ મુખ્ય રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો અને ભરચક બજારોમાં સુરક્ષા ઘેરો વધુ મજબૂત બનાવી દેવાયો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, તેમજ બિનવારસી વસ્તુઓ અને શંકાસ્પદ વાહનો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. હાલમાં સાયબર ક્રાઈમ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે કે આ ઈમેલ ખરેખર કોઈ આતંકી સંગઠન દ્વારા મોકલાયો છે કે પછી કોઈ અસામાજિક તત્વની આ શરારત છે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
