તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
દિલ્હીમાં ડાર્ક વેબ પર 2,500થી વધુ અગ્નિવીરોનો ડેટા વેચવાનો પ્રયાસ કરતો 14 વર્ષનો સગીર ઝડપાયો
આરોપી સગીરે સરકારી વેબસાઇટના મુખ્ય પેજની કોડિંગમાં રહેલી ટેકનિકલ ખામીઓ શોધી કાઢી ત્યારબાદ તેણે આધુનિક એઆઇ ટૂલ એટલે કે બોટની મદદ મેળવીને વેબસાઇટને હેક કરી લીધી

નવી દિલ્હી :દિલ્હીમાં 14 વર્ષના સગીરને ડાર્ક વેબ પર ડેટા વેચવાના પ્રયાસ બદલ કસ્ટડીમાં લેવાયો છે. તપાસ એજન્સીઓને શંકા છે કે આ ડેટા અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલો હોઈ શકે છે. સગીરે પૈસા કમાવા ડાર્ક વેબ પર ગ્રાહકો શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સોદો પાર પડે તે પૂર્વે જ એજન્સીઓએ તેને ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરે ચોરેલો ડેટા સીધો ડાર્ક વેબ પર અપલોડ કર્યો નહોતો, પરંતુ તેણે માત્ર આ ડેટા વેચવા માટેની એક જાહેરાત મૂકી હતી. આરોપી સગીરે સરકારી વેબસાઇટના મુખ્ય પેજની કોડિંગમાં રહેલી ટેકનિકલ ખામીઓ શોધી કાઢી હતી. ત્યારબાદ તેણે આધુનિક એઆઇ ટૂલ એટલે કે બોટની મદદ મેળવીને વેબસાઇટને હેક કરી લીધી હતી.
વેબસાઇટમાં અનધિકૃત પ્રવેશ મેળવ્યા બાદ તેણે એવા મહત્વના એકાઉન્ટ્સના પાસવર્ડ ચોરી લીધા હતા, જ્યાં ઉમેદવારો દ્વારા જમા કરાવવામાં આવેલા નોકરીના અરજી ફોર્મ સંગ્રહિત કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સગીર પાસેથી અમુક ડેટા પણ મળી આવ્યો છે, જેની હાલ ઊંડાણપૂર્વક ટેકનિકલ તપાસ ચાલી રહી છે. સગીરે આ સમગ્ર કૃત્ય માત્ર પૈસા કમાવાના હેતુથી આચર્યું હોવાની પ્રાથમિક માહિતી પૂછપરછમાં સામે આવી છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
