<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

સાડાઆઠ મહિનાની પ્રેગ્નન્‍સીમાં છેલ્‍લી મેરથોન પૂરી કરી

પ્રેગ્નન્‍સીમાં ૭ મેરથોન દોડી ચૂકી છે એથ્‍લીટ

ન્‍યુ યોર્ક,તા.૨૧: અમેરિકાના ન્‍યુ યોર્કમાં પહેલી નવેમ્‍બરે મેરથોન યોજાઈ હતી, એમાં ડીઅરડ્રી કીન નામની ૩૮ વર્ષની મહિલા પણ મેરથોન દોડી હતી. નવાઈ એ વાતની હતી કે એ સમયે કીનની પ્રેગ્નન્‍સીનું ૩૪મું અઠવાડિયું ચાલી રહ્યું હતું, મતલબ કે પ્રેગ્નન્‍સીના ૮ મહિના પૂરા થયા પછી બે વીક ઉપર જતાં રહ્યાં હતાં. નવમા મહિનામાં આટલો શારીરિક શ્રમ કરવો જોખમી પણ છે અને ચેલેન્‍જિંગ પણ. કીન પ્રોફેશનથી નર્સ છે અને વર્ષોથી મેરથોન દોડવાનું પેશન ધરાવે છે. અત્‍યાર સુધીમાં કુલ ૭૦ ફુલ મેરથોન દોડી ચૂકી છે. એમાંથી છેલ્‍લી ૭ મેરથોન તો પ્રેગ્નન્‍સી દરમ્‍યાન પૂરી કરી છે. તેણે નક્કી કર્યું હતું કે એક વર્ષમાં તે તમામ મેજર વર્લ્‍ડ મેરથોન દોડવાનું પૂરું કરશે. કીનનું કહેવું છે કે ‘ગયા વર્ષે મેં અને મારા પતિએ નક્કી કરેલું કે ૨૦૨૬માં તમામ મેજર મેરથોન દોડવાનો ગોલ રાખીએ અને પછી ફેમિલી-પ્‍લાનિગ કરીશું. જોકે અણધારી પ્રેગ્નન્‍સી રહી ગઈ. મેં વિચાર્યું કે પ્રેગ્નન્‍સીમાં મેરથોન દોડવાનો પડકાર પણ ઉઠાવી લઉં. એટલે અમે પ્‍લાન બદલ્‍યો નહીં.'

પ્રેગ્નન્‍સીની ખબર પડ્‍યા પછી તેણે કુલ ૭ મેરથોન દોડવાની હતી અને ન્‍યુ યોર્કમાં યોજાયેલી ઇવેન્‍ટ એમાં છેલ્‍લો તબક્કો હતી. કીન કહે છે, ‘મને ખબર છે પૂરા મહિના જઈ રહ્યા હોય ત્‍યારે મેરથોન દોડવાનું થોડુંક અજીબ અને જોખમી છે, પણ હું મારી ફિટનેસને લઈને સભાન હતી.'

(10:35 AM IST)