News of Sunday, 15th November 2026
નવસારીના વાંસદામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી
ગાંધી મેદાનથી વાંસદા ટાવર સુધી નીકળેલી ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા:સાંસદ ધવલભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ

નવસારી જિલ્લાના વાંસદામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વાંસદાના ગાંધી મેદાનથી વાંસદા ટાવર સુધી ભવ્ય જનજાતીય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સહિત વિસ્તારના નાગરિકો જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન લોકોનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.
ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના ગૌરવ, અસ્મિતા અને સંઘર્ષના પ્રતીક છે. તેમના જીવન અને આદર્શો આજે પણ સમાજને પ્રેરણા આપે છે. આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને રાષ્ટ્રનિર્માણમાં તેમના અનન્ય યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 15 નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે વાંસદામાં આયોજિત ગૌરવ યાત્રા દ્વારા ભગવાન બિરસા મુંડાના વિચારો અને તેમના સંઘર્ષને યાદ કરવામાં આવ્યા હતા.
વાંસદાના ગાંધી મેદાનથી શરૂ થયેલી આ ગૌરવ યાત્રા વાંસદા ટાવર સુધી પહોંચી હતી. યાત્રાના સમગ્ર માર્ગ પર મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી. આદિવાસી સમાજના લોકો ઉત્સાહભેર યાત્રામાં જોડાયા હતા. જનમેદની અને લોકોના ઉત્સાહ વચ્ચે સમગ્ર વિસ્તાર જનસૈલાબમાં ફેરવાયો હોય તેવો માહોલ સર્જાયો હતો. આ યાત્રા માત્ર ઉજવણી પૂરતી સીમિત ન રહેતાં આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને ગૌરવની અભિવ્યક્તિ બની હતી.
આ ભવ્ય જનજાતીય ગૌરવ યાત્રામાં સાંસદ ધવલભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને દિગ્ગજ નેતાઓએ પણ હાજરી આપી હતી. આદિવાસી સમાજના લોકોની મોટી સંખ્યામાં ભાગીદારીથી કાર્યક્રમનું મહત્વ વધુ વધ્યું હતું. જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે વાંસદામાં આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, અસ્મિતા અને ગૌરવશાળી ઇતિહાસની ઉજવણી કરવામાં આવી હતી.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
