તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
વડનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘તાના-રીરી મહોત્સવ’:સુશ્રી હેતલ મહેતા જોષી અને સુશ્રી માલિની અવસ્થીને તાના રીરી એવોર્ડ એનાયત
વડનગર સંગીત, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું વૈશ્વિક પ્રતીક:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલો આ મહોત્સવ આજે વિશ્વફલક પર ગુંજી રહ્યો છે.:વડનગર આગામી સમયમાં વિશ્વભરના સંગીત પ્રેમીઓ માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે: હર્ષ સંઘવી

વડનગર/મહેસાણા:મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગર ખાતે આયોજિત સુપ્રસિદ્ધ ‘તાના-રીરી મહોત્સવ’માં બીજા દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ સુશ્રી હેતલ મહેતા જોષી તેમજ સુશ્રી માલીની અવસ્થીને પ્રતિષ્ઠિત ‘તાના-રીરી એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન અંતર્ગત કલાકારને તામ્રપત્ર, ચેક અને એવોર્ડ આપીને તેમની કલાસાધનાને બિરદાવવામાં આવી હતી.
આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડનગરની પવિત્ર ધરાને વંદન કરતા જણાવ્યું હતું કે, વડનગર માત્ર એક પ્રાચીન નગર નથી, પરંતુ તે હજારો વર્ષ જૂની સંસ્કૃતિ, ઇતિહાસ, આધ્યાત્મિકતા અને સંગીતની સાધનાનું જીવંત પ્રતીક છે.
નાયબ મુખ્યમંત્રીએ ૧૬મી સદીની સંગીત બેલડી તાના અને રીરીના ઐતિહાસિક બલિદાનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ બંને બહેનોએ મલ્હાર રાગ છેડીને સંગીતની અસીમ શક્તિનો પરિચય કરાવ્યો હતો. આજે વડનગરની આ સમૃદ્ધ પરંપરાને વિશ્વ સમક્ષ રજૂ કરવાનું આ મહોત્સવ એક સશક્ત માધ્યમ બન્યું છે.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વડનગરની ઐતિહાસિક ધરોહરને ઉજાગર કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે ગૌરવ સાથે જાહેર કર્યું હતું કે વડનગરના આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમને વિશ્વના પ્રતિષ્ઠિત ‘રેડ ડોટ એવોર્ડ ૨૦૨૬’થી સન્માનિત કરવામાં આવ્યું છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.
વડનગરના વિકાસ અંગે વાત કરતા હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે શંકરાચાર્યજીએ વડનગરને ગુજરાતનું કાશી ગણાવ્યું હતું, અને આજે અહીં ઇતિહાસ, જ્ઞાન અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળી રહ્યો છે. વડનગરમાં મ્યુઝિયમ ઑફ મ્યુઝિક અને શર્મિષ્ઠા લેક જેવા પ્રકલ્પો આગામી સમયમાં પ્રવાસન અને રોજગારીની નવી તકો ઉભી કરશે.
કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને વડનગરને દેશનું સૌથી સ્વચ્છ નગર બનાવવા માટે સહયોગ આપવા અને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અંગે સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે તાના-રીરી એવોર્ડના વિજેતાઓ અને આયોજકોને અભિનંદન પાઠવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વડનગર આગામી સમયમાં વિશ્વભરના સંગીત પ્રેમીઓ માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે.
જિલ્લા પ્રભારી મંત્રી પ્રવિણભાઈ માળીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને વડનગરના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં જ્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આ મહોત્સવની શરૂઆત કરાવી હતી. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય તાના-રીરીના યોગદાનને વિશ્વ સુધી પહોંચાડવાનો અને શાસ્ત્રીય સંગીતની પરંપરાને જીવંત રાખવાનો છે. રાજ્ય સરકાર દ્વારા કલાકારોને યોગ્ય મંચ પૂરું પાડીને નવી પેઢીને આપણા સમૃદ્ધ વારસાથી પરિચિત કરાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મહોત્સવના બીજા દિવસે શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ કલાકારોની પ્રસ્તુતિએ વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. પંડિત જયતીર્થ મેવુન્ડી અને સુશ્રી શ્વેતા ગુંજન જોશીએ ગાયન દ્વારા ભક્તિભાવ રેલાવ્યો હતો, જ્યારે પંડિત પૂર્વાયન ચેટર્જીએ સિતાર વાદન દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કલાકાર ભૌમિક શાહે લોકગીતોની સુમધુર રજૂઆત કરી હતી.
તાનારીરી મહોત્સવના આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, કડી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર ,અગ્રણી સર્વે ગીરીશભાઈ રાજગોર,નટુજી ઠાકોર, વડનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ મિતિકાબેન શાહ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ યોગેશ બી. નિરગુડે, જિલ્લા કલેકટર ડૉ.હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી હર્ષિલ મીણા, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ એ.યુ. મકવા અને પદાધિકારીશ્રીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સંગીત રસિકો ઉપસ્થિત રહ્યા હતા
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
