News of Saturday, 28th November 2026
સચાણાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિધાર્થિનીઓને મળ્યું કારકિર્દી માર્ગદર્શન
બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત વિરમગામ ખાતે વિશેષ કારકિર્દી કાઉન્સેલિંગ યોજાયું : ધોરણ 10 થી 12ની વિદ્યાર્થિનીઓમાં કારકિર્દી ઘડતરની નવી ચેતના માટે નિષ્ણાતો દ્વારા વિશેષ માર્ગદર્શન

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત સંકલ્પ-હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન (DHEW) ટીમ દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સચાણા, વિરમગામ ખાતે ધોરણ 10, 11 અને 12ની વિદ્યાર્થીનીઓ માટે એક વિશેષ કારકિર્દી કાઉન્સેલિંગ અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર કચેરીના કાઉન્સેલર તથા આઈ.ટી.આઈ. વિરમગામના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થિનીઓને કારકિર્દી ઘડતર અંગે વિસ્તૃત અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ ધોરણ 10 અને 12 પછી ઉપલબ્ધ વિવિધ શૈક્ષણિક પ્રવાહો, વ્યાવસાયિક અભ્યાસક્રમો, ટેકનિકલ શિક્ષણ, આઈ.ટી.આઈ.ના વિવિધ ટ્રેડ્સ તેમજ વર્તમાન સમયની રોજગારલક્ષી તકો વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી.
માર્ગદર્શન દરમિયાન વિદ્યાર્થિનીઓને પોતાની અંગત રુચિ, ક્ષમતા અને અભિરુચિને ઓળખીને યોગ્ય ક્ષેત્રની પસંદગી કરવા, ઉચ્ચ શિક્ષણના વિકલ્પો પર વિચારણા કરવા તથા ભવિષ્યના સ્પષ્ટ લક્ષ્યો નિર્ધારિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઉપલબ્ધ વિવિધ તકોથી દીકરીઓને માહિતગાર કરવાનો, યોગ્ય દિશાસૂચન આપવાનો અને તેમને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોતાના ઉજ્જવળ ભવિષ્યનું આયોજન કરવા સક્ષમ બનાવવાનો હતો.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
