<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

૨૦૨૭ની ચૂંટણી માટે ગુજરાત ભાજપનાં ૨૨મીથી શ્રીગણેશ! તમામ ૧૮૨ બેઠકો પર એકસાથે શક્‍તિપ્રદર્શનની તૈયારી

૨૨ નવેમ્‍બરે સ્‍નેહમિલનના કાર્યક્રમો યોજાશે, બૂથ સ્‍તર સુધી સંગઠનને સક્રિય કરવાની કવાયત

અમદાવાદ,તા.૧૪: ગુજરાત વિધાનસભાની ૨૦૨૭માં યોજાનારી ચૂંટણી માટે ભાજપે અત્‍યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ચૂંટણીને હજુ એક વર્ષ જેટલો સમય બાકી હોવા છતાં ભાજપે રાજકીય અને સંગઠનાત્‍મક એમ બંને મોરચે સક્રિયતા વધારવાનો નિર્ણય કર્યો છે. દિવાળી બાદ પક્ષના કાર્યકરોને ચૂંટણીલક્ષી કામગીરી માટે સજ્જ કરવા રાજ્‍યવ્‍યાપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ભાજપ દ્વારા આગામી ૨૨ નવેમ્‍બરે ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર એકસાથે નવા વર્ષના સ્‍નેહમિલન કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમો મારફતે સ્‍થાનિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્‍નેહમિલનના માધ્‍યમથી પક્ષના સંગઠનને વધુ સક્રિય કરવા અને કાર્યકરોમાં નવો ઉત્‍સાહ જગાવવાની કવાયત હાથ ધરાશે.

વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે છે. તેઓ ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ ૧૪ નવેમ્‍બરે દિલ્‍હી પરત ફરવાના છે. તેમની આ મુલાકાત બાદ ભાજપના સંગઠનાત્‍મક કાર્યક્રમોને વધુ વેગ મળવાની શક્‍યતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

ભાજપનું મુખ્‍ય ધ્‍યાન પાયાના સ્‍તરે સંગઠનને વધુ મજબૂત બનાવવા પર રહેશે. વિધાનસભા મતવિસ્‍તારથી લઈને બૂથ સ્‍તર સુધી કાર્યકરો વચ્‍ચે સંકલન વધારવા અને ચૂંટણી માટે સંગઠનાત્‍મક માળખું સક્રિય કરવાની દિશામાં કામગીરી કરવામાં આવશે.

રાજકીય વર્તુળોમાં ૨૨ નવેમ્‍બરના કાર્યક્રમોને ભાજપના મિશન ૨૦૨૭ની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યા છે. એકસાથે તમામ ૧૮૨ બેઠકો પર યોજાનારા કાર્યક્રમો દ્વારા પક્ષ આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાની સંગઠનાત્‍મક સજ્જતાનો સંદેશ આપવાનો પ્રયાસ કરશે.(૪૦.૩)

 

(10:05 AM IST)