તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
તલગાજરડાના ચિત્રકુટધામ ખાતે ૨૬ નવેમ્બરે સંતવાણી એવોર્ડ અર્પણ સમારોહ : પૂ. મોરારીબાપુના હસ્તે કલાકારો અને સંતોનું સન્માન કરાશે
પૂ. પ્રભુદાસબાપુની પુણ્યતિથિ નિમિત્તે યોજાતા કાર્યક્રમમાં સંત સુખરામજી બાપુની વંદના થશે, જ્યારે દેવરાજભાઈ ગઢવી, પ્રતાપભાઈ બારોટ, હિતેશગીરી ગોસાઈ અને સંજયભાઈ કાપડીને વર્ષ ૨૦૨૬ના સંતવાણી એવોર્ડ એનાયત કરાશે : તે જ દિવસે સવારે તલગાજરડાની દીકરીઓના સમૂહલગ્ન યોજાશે

તલગાજરડા: મહુવા નજીક આવેલા સુપ્રસિદ્ધ તીર્થસ્થળ તલગાજરડાના ચિત્રકુટધામ ખાતે આગામી ૨૬ નવેમ્બર, ૨૦૨૬ને ગુરુવારે રાત્રે ૭ કલાકે વાર્ષિક સંતવાણી એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાશે. પૂ. મોરારીબાપુના પિતાશ્રી પૂ. પ્રભુદાસબાપુની પુણ્યતિથિ (કારતક વદ બીજ) નિમિત્તે દર વર્ષે યોજાતા આ કાર્યક્રમમાં પૂ. મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સંતવાણીના રચયિતા, ભજન ગાયકો અને વાદ્ય સંગીતકારોનું સન્માન કરવામાં આવે છે. આ પ્રસંગે ગુજરાતના જાણીતા ભજનીકો, સંતવાણી વાદકો અને સંતવાણી રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
સંત વંદના અને વર્ષ ૨૦૨૬ના એવોર્ડ વિજેતાઓ:
કાર્યક્રમ દરમિયાન પૂ. મોરારીબાપુના હસ્તે સંતવાણીના આદિ સર્જકની વંદના અંતર્ગત મોટા ભમોદરાના સંત પૂ. સુખરામજી બાપુની વંદના કરવામાં આવશે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૬ના સંતવાણી એવોર્ડથી કચ્છના બાડા નજીક નાનો ડેરોના સુપ્રસિદ્ધ ભજનીક દેવરાજભાઈ ગઢવી, જૂનાગઢના તબલાવાદક પ્રતાપભાઈ બારોટ, બાબરા-રાજકોટના હિતેશગીરી ગણપતગીરી ગોસાઈ અને જામનગરના મંજીરાવાદક સંજયભાઈ (જમનાદાસ) કાપડીને સન્માનિત કરવામાં આવશે.
પ્રસંગિક ઉદ્બોધન, સંતવાણી અને સમૂહલગ્ન:
એવોર્ડ અર્પણ વિધિ પૂર્ણ થયા બાદ પૂ. મોરારીબાપુનું પ્રસંગિક ઉદ્બોધન થશે અને ત્યારબાદ રાજ્યના જાણીતા ભજનીકો દ્વારા સંતવાણીની પ્રસ્તુતિ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૨૬ નવેમ્બરે જ સવારના સમયે તલગાજરડા ગામની દીકરીઓના સમૂહલગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વિગતો તલગાજરડાથી જયદેવભાઈ માંકડ દ્વારા પ્રેસ નોટ સ્વરૂપે જારી કરવામાં આવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
