તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Sunday, 29th November 2026
સૌની યોજના ફેઝ-3 અંતર્ગત સાની ડેમ અને ગઢડી પંપહાઉસને જોડવા રૂ.103.46 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી
નર્મદા જળસંપત્તિ વિભાગ દ્વારા સરકારી હુકમ જારી: સૌરાષ્ટ્રમાં સિંચાઈ અને પાણીના પરિવહનનું માળખું વધુ સુદ્રઢ બનતા ખેડૂતોને મોટો ફાયદો

રાજકોટ : સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકો માટે સિંચાઈ તથા પીવાના પાણીની સુવિધાને વધુ મજબૂત બનાવવાની દિશામાં ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના એટલે કે સૌની યોજનાના ફેઝ-3 ના લિંક-1 અંતર્ગત સાની જળસંપત્તિ યોજના અને ગઢડી પંપહાઉસને પાઈપલાઈન મારફતે જોડવાના કામ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.103.46 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા 28 નવેમ્બર, 2026 ના રોજ આ અંગેનો સત્તાવાર સરકારી હુકમ જારી કરવામાં આવ્યો છે. આ મંજૂરી અંગેનો વિગતવાર હુકમ રાજકોટ સિંચાઈ યોજના વર્તુળના અધિક્ષક ઈજનેરને મોકલી આપવામાં આવ્યો છે. સરકારી દસ્તાવેજ મુજબ, આ બંને મહત્વના જળ સ્ત્રોતોને પાઈપલાઈનથી જોડવા માટે અંદાજિત રૂ.103.46 કરોડની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને સક્ષમ કક્ષાએથી ઈ-ફાઈલ પર મંજૂરી મળતા આગળની કાર્યવાહીનો માર્ગ મોકળો થયો છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચોમાસાની અનિયમિતતા અને ભૂગર્ભ જળના ઘટતા સ્તરને ધ્યાનમાં રાખીને નર્મદાના પૂરના વધારાના પાણીથી સૌરાષ્ટ્રના 115 જળાશયો ભરવા માટે સૌની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજનાના વિવિધ તબક્કાઓ પૂર્ણ થવાથી અનેક વિસ્તારોમાં સિંચાઈની કાયાપલટ થઈ છે, ત્યારે હવે ફેઝ-3 ના આ કામથી પાણીના પરિવહન માટેનું માળખું વધુ વ્યાપક અને સુદ્રઢ બનશે.
હાલમાં સૈદ્ધાંતિક મંજૂરી મળી જતાં હવે સિંચાઈ વિભાગ દ્વારા આ પ્રોજેક્ટના ટેકનિકલ સર્વે, વિગતવાર અંદાજપત્ર (DPR) અને ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વહીવટી મંજૂરી અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાઈપલાઈન નાખવાની વાસ્તવિક કામગીરી શરૂ થશે, જે પૂર્ણ થવાથી સાની જળસંપત્તિ યોજના હેઠળના વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા વધશે અને સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે મોટી રાહત મળશે.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
