<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

સગીરના હાથમાં વાહન સોંપતા વાલીઓ માટે લાલબત્તી: સુરત ટ્રિબ્યુનલ કોર્ટનો ૨૭ લાખ વળતર ચૂકવવા આદેશ

અડાજણમાં વર્ષ ૨૦૧૬માં લાયસન્સ વિના પૂરપાટ ઝડપે વાહન ચલાવી દંપતીને અડફેટે લેવાના ચકચારી કેસમાં સગીરના પરિવારને કોર્ટનો મોટો ઝટકો

સુરત : સુરતના અડાજણ વિસ્તારમાં વર્ષ ૨૦૧૬માં થયેલા એક ચકચારી અકસ્માત કેસમાં મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલ કોર્ટે અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. લાયસન્સ વિના બેદરકારીપૂર્વક વાહન હંકારતા સગીરના પરિવારને મૃતકના પરિવારજનોને ૨૭ લાખ રૂપિયાનું માતબર વળતર ચૂકવવા કોર્ટે આદેશ કરતા વાહન આપતા વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ ૨૦૧૬માં અડાજણના ગેલેક્સી સર્કલ પાસે લાયસન્સ વિના પૂરપાટ ઝડપે વાહન ચલાવી રહેલા એક સગીરે રસ્તા પર જતા દંપતીને જોરદાર અડફેટે લીધું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં લાલજીભાઈ કેવડિયાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પત્ની ગીતાબેન કેવડિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ જુવેનાઇલ જસ્ટિસ હોમમાં કેસ ચાલ્યો હતો, જ્યાં પુરાવાના અભાવે સગીરને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

ફોજદારી કેસમાં સગીર છૂટી ગયા બાદ ન્યાય મેળવવા માટે મૃતક લાલજીભાઈ કેવડિયાના પરિવારે સગીર અને સંબંધિત વીમા કંપની સામે ટ્રિબ્યુનલ કોર્ટમાં વળતર મેળવવા દાવો દાખલ કર્યો હતો. કોર્ટની સુનાવણી દરમિયાન સગીરે કાયદેસરના લાયસન્સ વિના અને અત્યંત બેદરકારીપૂર્વક વાહન ચલાવ્યું હોવાના નક્કર પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. તમામ દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે સગીરના પરિવારને જવાબદાર ઠેરવી ૨૭ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા ફરમાન કર્યું હતું.

આ સમગ્ર ચુકાદો સગીર વયના બાળકોના હાથમાં વાહનની ચાવી સોંપી દેતા બેદરકાર વાલીઓ માટે એક મોટી લાલબત્તી સમાન સાબિત થયો છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, લાયસન્સ વિના સગીર દ્વારા અકસ્માત સર્જાય ત્યારે વીમા કંપની પણ જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લેતી હોવાથી વળતરનો સીધો બોજ વાલીઓ પર આવે છે, અને આગામી સમયમાં આ આદેશ મુજબ વળતરની રકમ વસૂલવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

(12:49 AM IST)