<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ઠંડીની રાહ જોતા લોકોને હજુ કરવી પડશે રાહઃ ૨૦ નવેમ્‍બર સુધી તાપમાન નોર્મલથી ઉપર રહેવાની શક્‍યતા

હાલ લઘુત્તમ નોર્મલ તાપમાન ૧૮ ડીગ્રી ગણાયઃ શનિ-રવિ લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થશે, તા.૧૭-૧૮ નવેમ્‍બરે ફરી ગરમાવો વધશેઃ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં લઘુત્તમ તાપમાન નજીક કે ઊંચું રહેવાની આગાહી, ૨૦ નવેમ્‍બરની આસપાસ ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ શકેઃ અશોકભાઈ પટેલ

રાજકોટઃ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં શિયાળાની શરૂઆત વચ્‍ચે હજુ કડકડતી ઠંડીનો અનુભવ કરવા માટે લોકોએ રાહ જોવી પડે તેવી હવામાન સ્‍થિતિ જોવા મળી રહી છે. તા. ૧૩થી ૨૦ નવેમ્‍બર દરમિયાન રાજ્‍યના મોટાભાગના વિસ્‍તારોમાં લઘુત્તમ તાપમાન નોર્મલ નજીક અથવા નોર્મલ કરતાં ઉપર રહેવાની શક્‍યતા છે. જ્‍યારે મહત્તમ તાપમાન પણ આગાહીના મોટાભાગના દિવસોમાં સામાન્‍ય કરતાં ઊંચું રહેવાની સંભાવના છે.

વેધર એનાલિસ્‍ટ અશોકભાઈ પટેલના જણાવ્‍યા અનુસાર, તા. ૧૨ નવેમ્‍બરના રોજ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં મહત્તમ તાપમાન મોટાભાગે નોર્મલ કરતાં ૧.૫થી ૩.૫ ડિગ્રી વધુ નોંધાયું હતું. બીજી તરફ લઘુત્તમ તાપમાનમાં જુદાં જુદાં કેન્‍દ્રો પર નોંધપાત્ર તફાવત જોવા મળ્‍યો હતો. કેટલાક વિસ્‍તારોમાં લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં ૨ ડિગ્રી નીચું તો કેટલાક સ્‍થળોએ ૨.૫ ડિગ્રી વધુ નોંધાયું હતું.

તા. ૧૩ નવેમ્‍બરના રોજ નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં ૧૮.૩ ડિગ્રી, અમરેલીમાં ૧૮.૨ ડિગ્રી, વડોદરામાં ૧૬.૫ ડિગ્રી, ભુજમાં ૨૧ ડિગ્રી, રાજકોટમાં ૧૮.૨ ડિગ્રી અને ડીસામાં ૧૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેમાં ભુજમાં લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં ૨.૮ ડિગ્રી વધુ, જ્‍યારે વડોદરામાં નોર્મલ કરતાં ૧.૯ ડિગ્રી ઓછું રહ્યું હતું.

આગામી દિવસોના હવામાન અંગે અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે કે, હાલમાં મોટાભાગનાં કેન્‍દ્રો માટે લઘુત્તમ તાપમાનનું નોર્મલ આશરે ૧૮ ડિગ્રી છે, જ્‍યારે મહત્તમ તાપમાનનું નોર્મલ આશરે ૩૩.૫ ડિગ્રી છે. આગામી ૧૪ અને ૧૫ નવેમ્‍બરના રોજ લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્‍યતા છે. ત્‍યારબાદ ૧૭ અને ૧૮ નવેમ્‍બરના રોજ લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. જ્‍યારે ૨૦ નવેમ્‍બરની આસપાસ ફરી એકવાર લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે.

આમ, આગામી એક સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં ઠંડીનું પ્રમાણ વ્‍યાપક રીતે વધવાને બદલે તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

ખાસ કરીને રાત્રિના તાપમાનમાં સ્‍થાનિક પરિસ્‍થિતિ પ્રમાણે ફેરફાર રહેશે અને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ યથાવત્‌ રહેવાની શક્‍યતા છે

(4:09 PM IST)