<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

ગાંધીનગરની ગાદીનો રસ્‍તો આદિવાસી પટ્ટામાંથી! ૨૦૨૭ માટે ભાજપ, કોંગ્રેસ અને AAPની કવાયત શરૂ

૨૭ એસ.ટી. અનામત સહિત ૪૬ બેઠકો પર આદિવાસી મતો નિર્ણાયક, ત્રણેય પક્ષોની નજર આદિવાસી મત બેંક પર : ભાજપનું આદિવાસી વિસ્‍તારોમાં શક્‍તિપ્રદર્શનઃ વિકાસકાર્યોનું લોકાર્પણ

નવી દિલ્‍હી તા.૧૪: ગુજરાત વિધાનસભાની ૨૦૨૭ની ચૂંટણીમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી પટ્ટો ફરી એકવાર સત્તાનાં સમીકરણો નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ચૂંટણીને હજુ એક વર્ષ જેટલો સમય બાકી છે, પરંતુ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા અત્‍યારથી જ રાજકીય કવાયત શરૂ કરી દીધી છે.

ગુજરાતની કુલ વસ્‍તીના આશરે ૧૪.૮ ટકા એટલે કે ૮૯.૧૭ લાખ આદિવાસીઓ છે. વિધાનસભાની ૧૮૨ બેઠકોમાંથી ૨૭ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે, જ્‍યારે અન્‍ય ૧૯ સામાન્‍ય બેઠકો પર પણ આદિવાસી મતદારો હાર-જીતનું ગણિત બદલી શકે છે. રાજ્‍યની દાહોદ, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડ લોકસભા બેઠકો પણ એસ.ટી. માટે અનામત છે.

એક સમયે આદિવાસી પટ્ટો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૧૫ અને ભાજપે ૯ એસ.ટી. અનામત બેઠકો જીતી હતી. જોકે, ૨૦૨૨માં ભાજપે ૨૭માંથી ૨૩ બેઠકો જીતીને રાજકીય સમીકરણો બદલી નાખ્‍યાં હતાં. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે ચારેય અનામત બેઠકો જીતી હતી.

ભગવાન બિરસા મુંડાની જન્‍મજયંતી નિમિત્તે ૧૫ નવેમ્‍બરે ભાજપ આદિવાસી વિસ્‍તારોની ૫૪ બેઠકો પર કાર્યક્રમો યોજવાની તૈયારીમાં છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્‍થિતિમાં રૂ. ૨૩૦૦ કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજવાનું આયોજન છે.

બીજી તરફ, આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના નેતૃત્‍વમાં આદિવાસી અધિકારોના મુદ્દે સક્રિય છે. કોંગ્રેસ સામે ગુમાવેલો જનાધાર પાછો મેળવવાનો પડકાર છે, જ્‍યારે બીટીપી પણ પોતાનું રાજકીય સ્‍થાન મજબૂત કરવાનો પ્રયાસ કરી શકે છે. જમીન અધિકાર, શિક્ષણ, આરોગ્‍ય, સિચાઈ અને રોજગારી જેવા પ્રશ્નો વચ્‍ચે ૨૦૨૭માં આદિવાસી મતદારો કોની તરફ વળે છે, તેના પર સૌની નજર રહેશે.

(10:22 AM IST)