તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
અમદાવાદ જિલ્લામાં મતદારોની સંખ્યા 50 લાખને પાર: મુસદ્દા યાદી જાહેર, 1.07 લાખથી વધુ નવા મતદારો ઉમેરાયા
27 નવેમ્બરથી 26 ડિસેમ્બર સુધી હક્ક-દાવા અને વાંધા સ્વીકારાશે; ત્રણ ખાસ ઝુંબેશ દિવસે BLO મતદાન મથકો પર રહેશે, 18 જાન્યુઆરીએ આખરી યાદી પ્રસિદ્ધ થશે

અમદાવાદ : ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ 1 જાન્યુઆરી, 2027ની લાયકાત તારીખના આધારે તૈયાર કરાયેલી અમદાવાદ જિલ્લાની એકીકૃત મુસદ્દા મતદાર યાદી-2027 જિલ્લાની કુલ 21 વિધાનસભા મતવિભાગોમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે, જે મુજબ જિલ્લાના 5,433 મતદાન મથકો પર કુલ મતદારોની સંખ્યા 50,20,191 પર પહોંચી છે. આ મુસદ્દા યાદીમાં 25,96,592 પુરુષ, 24,23,385 સ્ત્રી અને 214 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.
17 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ થયેલી આખરી યાદી-2026માં 49,12,548 મતદારો નોંધાયેલા હતા, જેની સરખામણીમાં આ વખતે 1,07,643 મતદારો એટલે કે 2.19 ટકાનો ચોખ્ખો વધારો નોંધાયો છે, જેમાં 49,920 પુરુષ, 57,720 સ્ત્રી અને 3 અન્ય મતદારો ઉમેરાયા હોવાથી સ્ત્રી મતદારોનો વધારો નોંધપાત્ર રહ્યો છે.
હવે 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર, 2026 સુધી હક્ક-દાવા અને વાંધા રજૂ કરી શકાશે, જે અંતર્ગત નામ દાખલ કરવા ફોર્મ-6, બિનનિવાસી ભારતીય માટે ફોર્મ-6-ક, આધાર લિંક માટે ફોર્મ-6-ખ, નામ કમી કે વાંધા માટે ફોર્મ-7 તેમજ સરનામા બદલી, સુધારા, ડુપ્લિકેટ ઇપિક કે દિવ્યાંગજન નોંધણી માટે ફોર્મ-8 ભરી શકાશે.
અરજીઓ સ્વીકારવા માટે 29 નવેમ્બર, 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બર, 2026ના રોજ ખાસ ઝુંબેશ દિવસો યોજાશે, જ્યારે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર્સ મતદાન મથકો પર હાજર રહેશે, ઉપરાંત વોટર્સ સર્વિસ પોર્ટલ, ઇસીઆઇનેટ એપ, હેલ્પલાઇન નંબર 1950 અને 21 વિધાનસભા કચેરીઓના હેલ્પડેસ્ક પરથી પણ સેવાઓ મળશે.
1 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનોને નોંધણી કરાવવા ખાસ અપીલ કરાઈ છે, તેમજ 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર સંભવિત યુવા મતદારો પણ એડવાન્સ અરજી કરી શકશે, જ્યારે આ યાદી તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને અપાઈ છે અને સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાઈ છે.
મતદાર નોંધણી અધિકારીના હુકમ સામે અસહમતી હોય તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 હેઠળ પ્રથમ અને બીજી અપીલ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે, અને તમામ દાવા-વાંધાના નિકાલ બાદ આખરી મતદાર યાદી 18 જાન્યુઆરી, 2027ના રોજ પ્રસિદ્ધ થશે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
