<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

સુરતમાં ચાલુ લક્ઝરી બસમાંથી રમતા-રમતા રોડ પર પટકાયું માસૂમ બાળક: વાલીઓ માટે લાલબત્તી સમાન ચોંકાવનારી ઘટના

સૌરાષ્ટ્રથી સુરત આવી રહેલી બસના ડ્રાઈવર કેબિનમાંથી ૩ વર્ષનું બાળક નીચે પડી જતા સર્જાયો ગંભીર અકસ્માત, સમયસૂચકતાથી બાળકનો થયો ચમત્કારિક બચાવ

સુરત : સુરતથી એક અત્યંત ચોંકાવનારી અને વાલીઓને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે, જ્યાં કીમ નજીક સૌરાષ્ટ્રથી આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસમાંથી ચાલુ વાહને ૩ વર્ષનું નાનું બાળક રમતા-રમતા સીધું રોડ પર પટકાયું હતું.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૭ નવેમ્બરના રોજ મુસાફરી દરમિયાન બાળક રમતા-રમતા ડ્રાઈવરની કેબિન સુધી પહોંચી ગયું હતું અને ત્યાં આડી પડેલી સીટ પર ચડવા જતાં સંતુલન ગુમાવતા દરવાજામાંથી સીધો નીચે ફંગોળાયો હતો.

 

આ અકસ્માત સમયે ફોનમાં વ્યસ્ત રહેલી બાળકની માતાનું ધ્યાન પોતાના સંતાન પર નહોતું, પરંતુ સદનસીબે ડ્રાઈવરની નજર પડતા જ તેણે તાત્કાલિક બસ રોકી દીધી હતી અને પાછળ આવી રહેલા એક તબીબે પણ માનવતા દાખવી બાળકનું પ્રાથમિક પરીક્ષણ કર્યું હતું.

 

બસની ગતિ ધીમી હોવાથી અને ડ્રાઈવરે સમયસર બ્રેક મારી દેવાના કારણે બાળકને કોઈ ગંભીર ઈજાઓ પહોંચી ન હતી અને શરીર પર સામાન્ય છોડાવા સિવાય તેનો ચમત્કારિક બચાવ થયો હતો, જે સમગ્ર દ્રશ્ય બસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું.

 

આ ઘટના બાદ બસના ડ્રાઈવરે બેદરકાર વાલીઓને મુસાફરી દરમિયાન નાના બાળકોની પૂરતી કાળજી રાખવા અને તેમના પર સતત નજર રાખવા માટે સખત ટકોર કરી હતી, જે તમામ પરિવારજનો માટે ગંભીર ચેતવણી સમાન છે.

 

બાળકો સાથે મુસાફરી કરતી વખતે વાલીઓએ હંમેશાં સાવચેતી રાખવી અનિવાર્ય છે જેથી ભવિષ્યમાં આવી જોખમી અને દુર્ઘટનાઓથી બચી શકાય અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

(6:48 PM IST)