News of Saturday, 14th November 2026
પત્ની સાથેના ઝઘડાના ઉકેલ માટે પતિ ચેટજીટીપીની સલાહ લેતોઃ નોબત છૂટાછેડા સુધી પહોંચી
એઆઈની સલાહથી પતિ પત્નીનો વીડિયો બનાવતોઃ પત્નીએ મદદ માટે ૧૮૧ અભયમને ફોન કરીને મદદ માંગી

વડોદરા,તા.૧૪: દુનિયા અત્યારે ડિજિટલ થઈ રહી છે, તેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ સતત વધી રહ્યો છે. પહેલા તો માત્ર કામ અર્થે જ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) હવે ઘરેલું બાબતે પણ પ્રવેશી રહ્યું છે. આવી જ એક ઘટના વડોદરામાં બની છે. અહીં એક દંપતીના જીવનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)એ વિવાદ શરૂ કર્યો છે અને વાત છેક છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે.
ચાર વર્ષ પહેલા આ લોકોની શાદી ડોટકોમ દ્વારા ઓળખાણ થઈ હતી. બે વર્ષ સુધી બંને રિલેશનમાં રહ્યા અને બાદમાં લગ્ન કરી લીધા હતા. આ બંને દંપતીમાં યુવતી મહારાષ્ટ્રીયન છે અને યુવક ગુજરાતી છે. લગ્ન બાદ યુવકે વિચાર્યું હતું કે, તેની પત્ની પણ નોકરી કરશે, પરંતુ યુવતીએ ગૃહિણી તરીકે રહેવાનું પસંદ કરતા આ નાના-મોટા ઝઘડાઓ શરૂ થવા લાગ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ યુવતી મહારાષ્ટ્રીયન હોવાથી ઘરે જમવાનું પણ મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં બનતું હતું. જેના કારણે વિવાદ વધારે વધી રહ્યો હતો.
મહત્વની વાત એ છે કે, આ તમામ પ્રકારની વાતોમાં પતિ ChatGPTને પૂછીને નિર્ણયો લેતો હતો. આ દંપતીના જીવનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)એ એવી અડચણો સર્જી છે કે, પરિણીતાએ પોલીસની મદદ લેવી પડી હતી. પતિ દરેક નાની મોટી વાત કે, ઝઘડાના ઉકેલ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને પૂછતો અને એઆઈ પાસેથી તેનો ઉકેલ માંગતો હતો.
એઆઈની સલાહથી પતિ પત્નીનો વીડિયો બનાવતો
જ્યારે પણ પતિ-પત્ની વચ્ચે કોઈ ઝઘડો થાય ત્યારે તેના ઉકેલ માટે પતિ ChatGPTને પૂછતો હતો. આ સમગ્ર મામલે ChatGPT દ્વારા પતિને પુરાવા એકત્રિત કરવાની સલાહ મળતી હતી. જેથી જ્યારે પણ કોઈ ઝઘડો થાય ત્યારે પતિ પત્નીનો વીડિયો બનાવતો અથવા તો ઓડિયો રેકોર્ડ કરતો હતો. આ સમગ્ર મામલે જાણ થતા પત્નીએ મદદ માટે ૧૮૧ અભયમને ફોન કરીને મદદ માંગી હતી. આ વિવાદ હવે છેક છૂટાછેડા સુધી આવી પહોંચ્યો છે.
પત્નીએ ૧૮૧ અભયમને મદદ માટે બોલાવી ત્યારે અભયમની ટીમે ઘટનાની હકીકત જાણી હતી. સમગ્ર મામલો જાણ્યાં બાદ ૧૮૧ અભયમની ટીમ દ્વારા આ દંપતીને સમજાવવામાં આવ્યાં હતાં. ૧૮૧ અભયમની ટીમે જણાવ્યું કે, લગ્ન જીવન કોઈ મશીન કે એઆઈની સલાહથી નથી ચાલતા પરંતુ પતિ અને પત્ની પરસ્પર સમજણથી ચાલે છે. આવા પ્રશ્નમાં છૂટાછેડાનો નિર્ણય લેવો યોગ્ય નથી. ટીમ દ્વારા બંનેને સમજવા માટે કહ્યું છે. ઉતાવળમાં છૂટાછેડા લેવા એ સારો નિર્ણય ના કહેવાય! જેથી ૧૮૧ અભયમની ટીમ દ્વારા બંને જણને સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
