તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
વડોદરાના અકોટામાં હિટ એન્ડ રન: રોંગ સાઈડમાં આવેલા કચરાના ટેમ્પાએ રાહદારીને અડફેટે લીધા, પગમાં ફ્રેક્ચર
પંચપીર દરગાહ પાસે સવારે 7:45 વાગ્યે બનેલા બનાવમાં પગ પર 10થી 15 ટાંકા આવ્યા; ટેમ્પા પર નંબર પ્લેટ ન હોવાની બેદરકારી સામે આવી

વડોદરા : વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં તાજ હોટલ નજીક પંચપીર દરગાહ પાસે આજે સવારે આશરે 7:45 વાગ્યે રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે ધસી આવેલા ડોર ટૂ ડોર કચરા કલેક્શનના ટેમ્પાએ રસ્તો ઓળંગી રહેલા રાહદારી હસનભાઈ સિંધીને અડફેટે લેતાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં ટાયર પગ પર ફરી વળતાં તેમને ફ્રેક્ચર સહિત ગંભીર ઈજા પહોંચી હતી. નજીકમાં ડ્રેનેજની કામગીરી ચાલતી હોવાથી ચાલકે ટ્રાફિકના નિયમોનો ભંગ કરી વાહન ખોટી દિશામાં હંકાર્યું હતું અને મદદ કરવાને બદલે ટેમ્પો લઈને ફરાર થઈ ગયો હતો.
પંચપીર દરગાહ પાસે રહેતા હસનભાઈ સિંધી ઘરની સામેથી વેફરનું પેકેટ ખરીદીને પરત ફરી રહ્યા હતા ત્યારે યોગ્ય દિશામાં વાહનો જોઈને રોડ ક્રોસ કરતી વખતે અચાનક સામેથી આવેલા ટેમ્પાની ઝપેટમાં આવી ગયા હતા.
અકસ્માત બાદ આસપાસના લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં હસનભાઈને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબી તપાસમાં પગમાં ફ્રેક્ચર થયાનું તથા ઈજાગ્રસ્ત ભાગ પર 10થી 15 ટાંકા લેવાની જરૂર પડી હોવાનું સામે આવ્યું હતું.
ઘટના બાદ ટેમ્પાના ચાલક અને કંડક્ટર ઈજાગ્રસ્તને મદદ કરવાને બદલે વાહન લઈને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા, જ્યારે કોન્ટ્રાક્ટરના ટેમ્પાના પાછળના ભાગમાં નંબર પ્લેટ જ ન હોવાની ગંભીર બેદરકારી પણ સામે આવી હતી.
સ્થાનિક રહેવાસીઓ અને પરિવારજનોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નંબર પ્લેટ ન હોવાને કારણે અકસ્માત સર્જીને ભાગતા વાહનોને ઓળખવામાં મુશ્કેલી પડે છે, તેમજ ડોર ટૂ ડોર કચરાના વાહનો બેફામ રીતે ચાલતા હોવાની અગાઉ પણ ફરિયાદો રહી છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
