તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Saturday, 14th November 2026
વાવ-થરાદ પોલીસનો ઐતિહાસિક સપાટો : આઈજી શ્રીમતી પરીક્ષિતા રાઠોડ અને એસપી ચિંતન તેરૈયાના માર્ગદર્શનમાં ખોડા ચેકપોસ્ટ પરથી ૨.૮૮ કરોડનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું : પંજાબના ડ્રાઈવર જગતારસિંહ શેખાવતની ધરપકડ
ડીવાયએસપી એસ.એમ. વારોતારિયા અને પીઆઈ એ.જી. રબારીની ટીમે પંજાબ પાસિંગના ટ્રેલરમાંથી ૯૦,૪૪૪ દારૂની બોટલો સહિત કુલ ૩.૨૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો : કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર ખલાસીની પણ અટકાયત કરાઈ

થરાદ: દારૂબંધી ધરાવતા ગુજરાતમાં બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવતા થરાદ પોલીસે વાવ-થરાદ જિલ્લાના ઈતિહાસની સૌથી મોટી દારૂની રેડને સફળતાપૂર્વક અંજામ આપ્યો છે. આંતરરાજ્ય બોર્ડર પર આવેલી ખોડા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે પંજાબથી આવી રહેલા એક ટ્રેલર કન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૯૦,૪૪૪ બોટલો ઝડપી પાડી છે. જપ્ત કરાયેલા દારૂની કિંમત ૨.૮૮ કરોડ રૂપિયા આંકવામાં આવી છે, જ્યારે ટ્રેલર અને અન્ય સામાન મળીને કુલ ૩.૨૮ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
ચોક્કસ બાતમીના આધારે ખોડા ચેકપોસ્ટ પર વોચ ગોઠવાઈ:
પોલીસ મહાનિરીક્ષક શ્રીમતી પરીક્ષિતા રાઠોડ, વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને થરાદ વિભાગના પોલીસ ઉપાધિક્ષક એસ.એમ. વારોતારિયાની સૂચના મુજબ સરહદી ચેકપોસ્ટ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વાવ-થરાદ એસપી આઈપીએસ ચિંતન તેરૈયાને બાતમી મળી હતી કે પંજાબ તરફથી વિદેશી દારૂ ભરેલું એક કન્ટેનર બોર્ડર વિસ્તારમાંથી પસાર થવાનું છે. આ માહિતીના આધારે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. રબારીની નિગરાની હેઠળ પોલીસ ટીમે ખોડા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી પંજાબ પાસિંગના ટ્રેલર નંબર PB-10-JH-8951 ને અટકાવ્યું હતું.
ભૂસાની બોરીઓ પાછળ છુપાવ્યો હતો દારૂનો જથ્થો:
પોલીસે જ્યારે કન્ટેનર ખોલીને તપાસ કરી ત્યારે શરૂઆતમાં અંદર ચોખાના ભૂસા જેવું માળખું ગોઠવેલું જોવા મળ્યું હતું, જેનાથી પોલીસને શંકા ગઈ હતી. ઊંડાણપૂર્વક તપાસ કરતા ભૂસાની બોરીઓની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ૨,૮૮,૪૫,૩૫૨ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની ૯૦,૪૪૪ બોટલો, ૩૦ લાખ રૂપિયાનું ટ્રેલર અને કન્ટેનર, ૧.૯૧ લાખ રૂપિયાના ત્રણ મોબાઈલ ફોન, ૩ લાખ રૂપિયાના નવ દસ્તાવેજો, ૩ લાખ રૂપિયાની ભૂસાની ૧૦ બોરીઓ, ૧ લાખ રૂપિયાના બે મેટિયા અને ૩ લાખ રૂપિયાની બે ટુવાલ શીટ સહિત કુલ ૩,૨૮,૭૫,૩૭૫ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પંજાબનો ડ્રાઈવર સકંજામાં, કિશોર ખલાસીની અટકાયત:
પોલીસે આ દારૂની હેરાફેરીના ગુનામાં ટ્રેલર ચાલક ૩૩ વર્ષીય જગતારસિંહ નથસિંહ શેખાવત (રહે. આનંદપુર ખસ્તી, તા. તપામંડી, જિ. બરનાલા, પંજાબ) ની ધરપકડ કરી છે. આ ઉપરાંત ટ્રેલરમાં ખલાસી તરીકે સાથે રહેલા એક સગીર કિશોરને પણ પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર તરીકે અટકાયતમાં લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાવ-થરાદ જિલ્લા પોલીસની આ કામગીરીને દારૂની તસ્કરી સામેની અત્યાર સુધીની સૌથી મોટી સફળતા ગણવામાં આવી રહી છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
