News of Saturday, 28th November 2026
રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવમાં ગુજરાતનો ડંકો : મહીસાગરની ટીમ પશ્ચિમ ઝોનમાં દ્વિતીય વિજેતા બની કોલકાતા ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચી
મુંબઈના નેહરુ સાયન્સ સેન્ટર ખાતે આધુનિક યુગની અંધશ્રદ્ધા નાટકે મેદાન માર્યું : હવે 6 જાન્યુઆરી 2027ના રોજ સાયન્સ સિટી કોલકાતા ખાતે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે : વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ પાઠવ્યા અભિનંદન

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર : ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળની નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) 2026-27માં ગુજરાતના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. 27 નવેમ્બર 2026ના રોજ મુંબઈના નેહરુ સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલી પશ્ચિમ ઝોનલ સાયન્સ ડ્રામા સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી મહીસાગરની ટીમે સમગ્ર પશ્ચિમ ઝોનમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. આ જીત સાથે ગુજરાતની ટીમે હવે આગામી 6 જાન્યુઆરી 2027ના રોજ કોલકાતાના સાયન્સ સિટી ખાતે યોજાનારા નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2026-27ના ગ્રાન્ડ ફિનાલેમાં પ્રવેશ મેળવી લીધો છે. રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિજેતા ટીમને અભિનંદન પાઠવી રાષ્ટ્રીય સ્પર્ધા માટે શુભેચ્છાઓ આપી હતી.
વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, તર્કશક્તિ અને સર્જનાત્મકતા કેળવવાના આશયથી ગુજકોસ્ટ દ્વારા તબક્કાવાર આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ 23 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2026 દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં લોક વિજ્ઞાન કેન્દ્રો (CSC) મારફતે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન અને સમાજ વિષય પર કુલ 326 નાટકો રજૂ કરાયા હતા. જિલ્લા સ્તરે પ્રથમ આવેલી ટીમોને નિષ્ણાત મેન્ટર્સ દ્વારા નાટ્યલેખન, વૈજ્ઞાનિક તથ્યોની સચોટ રજૂઆત, અભિનય અને સ્ટેજ પ્રેઝન્ટેશનની તાલીમ આપી રાજ્ય કક્ષા માટે 31 ટીમો પસંદ કરવામાં આવી હતી.
ત્યારબાદ 14 અને 15 ઓક્ટોબર 2026ના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે બે દિવસીય રાજ્યકક્ષાના વિજ્ઞાન નાટક મહોત્સવનું આયોજન થયું હતું. આ પ્રસંગે કલા અને રંગભૂમિ ક્ષેત્રના અગ્રણીઓ પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી, સંજય ગોરડિયા, વિરલ રાચ્છ અને ભરત યાજ્ઞિકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યકક્ષાની સ્પર્ધામાં મહીસાગર જિલ્લાની ક્રિસ્ટલ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાના નાટક આધુનિક યુગની અંધશ્રદ્ધા દ્વારા પ્રથમ સ્થાન મેળવી રાજ્ય વિજેતા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
રાજ્ય વિજેતા બનેલી મહીસાગરની ટીમને પશ્ચિમ ઝોનલ સ્પર્ધા માટે સજ્જ કરવા ગુજકોસ્ટના મેન્ટર્સ દ્વારા સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેના પરિણામે મુંબઈ ખાતે ટીમે દ્વિતીય સ્થાન હાંસલ કર્યું છે. હવે કોલકાતા ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની અંતિમ સ્પર્ધા માટે પણ ગુજકોસ્ટ ટીમ અને મેન્ટર્સ દ્વારા વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવશે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતી (IAS)ના વડપણ હેઠળ અને ગુજકોસ્ટના ડિરેક્ટર જનરલ દિગ્વિજયસિંહ જાડેજા (IAS)ના નેતૃત્વમાં ગુજકોસ્ટ દ્વારા રંગભૂમિના માધ્યમથી સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા અને નવી પેઢીમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાની આ પહેલ રાજ્ય માટે પ્રેરણારૂપ બની રહી છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
