<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

કવાંટમાં હીરા કારખાનાની મુલાકાતે પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રત્નકલાકારો સાથે ઘંટી પર હાથ અજમાવ્યો

આદિવાસી વિસ્તારમાં સ્થાનિક રોજગારી અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા કારીગરો સાથે આત્મીય સંવાદ કર્યો, મહેનત અને કૌશલ્યની પ્રશંસા કરી અને યુવાનોને ઘરઆંગણે રોજગારી મળતી હોવાનું જણાવ્યું

કવાંટ  : રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે આવેલા સ્થાનિક હીરા કારખાનાની મુલાકાત લીધી હતી. આદિવાસી બહુલ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન કરતા હીરા ઉદ્યોગની કામગીરી નિહાળવા અને કારીગરોનો ઉત્સાહ વધારવા માટે તેમણે કારખાનાની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રીએ અત્યંત સાદગીપૂર્ણ રીતે કારખાનામાં કાર્યરત રત્નકલાકારો સાથે સહજ અને આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે કારીગરોની કાર્યપદ્ધતિ, તેમની દિનચર્યા, આર્થિક ઉપાર્જન તેમજ કારખાનામાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે રસપૂર્વક જાણકારી મેળવી હતી. કારીગરોએ પણ પોતાના અનુભવો અને કામની બારીકાઈઓ વિશે તેમને વિગતવાર માહિતી આપી હતી.

આ પ્રસંગે એક પ્રેરણાદાયી દ્રશ્ય પણ સર્જાયું હતું, જ્યારે નાયબ મુખ્યમંત્રીશ્રીએ સ્વયં રત્નકલાકારોની વચ્ચે હીરા ઘસવાની ઘંટી પર બેસીને હીરા ઘસવા પર પોતાનો હાથ અજમાવ્યો હતો. તેમણે કારીગરો પાસેથી હીરાના પેલ પાડવાની અને પોલિશિંગની બારીકાઈઓ શીખવાનો ઉત્સાહભેર પ્રયાસ કર્યો હતો અને રત્નકલાકારોની મહેનત તથા કૌશલ્યની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.

કવાંટ જેવા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં હીરા ઉદ્યોગના માધ્યમથી સ્થાનિક યુવાનોને ઘરઆંગણે જ સન્માનજનક રોજગારી મળી રહી છે, તે બદલ તેમણે કારખાનાના સંચાલકો અને કારીગરોને અભિનંદન પાઠવ્યા હતા. સ્થાનિક સ્તરે જ રોજગારી મળવાથી યુવાનોને સ્થળાંતર કરવાની જરૂર રહેતી નથી અને પરિવાર સાથે રહીને જ આર્થિક રીતે પગભર બની શકાય છે, તેવો સંદેશ તેમણે આપ્યો હતો.

નાયબ મુખ્યમંત્રીશ્રીની આ ઉષ્માભરી મુલાકાત અને પ્રોત્સાહનથી સ્થાનિક રત્નકલાકારોમાં ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. કારીગરોએ પોતાની વચ્ચે નાયબ મુખ્યમંત્રીશ્રીને જોઈને ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. આ મુલાકાત આદિવાસી વિસ્તારમાં સ્થાનિક રોજગારીની તકો અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું બની રહેશે.
 

છોટાઉદેપુર જિલ્લામાં હીરા ઉદ્યોગ ધીમે ધીમે સ્થાનિક અર્થતંત્રનો મહત્ત્વનો આધાર બની રહ્યો છે. યુવાનોને તાલીમ, કૌશલ્ય વિકાસ અને રોજગારીની તકો મળે તે માટે આવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જરૂરી બન્યું છે.

(10:00 PM IST)