<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાફેશ્વરની ડુંગર તળેટીમાં યુવાઓ સાથે કર્યો સંવાદ:સ્થાનિક રોજગારને કેન્દ્રમાં રાખી હાફેશ્વર વિસ્તારને ટુરીઝમ ડેવલપમેન્ટ તરીકે વિકાસ કરાશે

માળખાકીય સુવિધાઓ નિર્માણ કરવાની સાથે આ વિસ્તારોમાં સ્વચ્છતા અને આતિથ્ય માટેના ઉચ્ચ માપદંડો સુનિશ્ચિત કરવા સ્થાનિકોને અપીલ:છોટા ઉદેપુરમાં પર્યટન વિકાસ દ્વારા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા યુવાઓની ભૂમિકા મહત્વપૂર્ણ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

છોટાઉદેપુર જિલ્લામાં પ્રવાસન વિકાસ કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાફેશ્વરના ડુંગર પર એકદમ કાઉ બોય લૂકના નવા અને યુવા અંદાજમાં આદિવાસી સમાજના યુવાઓ સાથે ખૂબ જ રોચક સંવાદ કર્યો અને યુવાઓ સાથે તેમના પ્રશ્નો, સપનાઓ અને કારકિર્દીની તકો અને પડકારો વિશે દિલ ખોલીને વાત કરી હતી.

 સંઘવીએ સ્થાનિક કલાકારો, રમતવીરો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો સહિતના યુવાઓ સાથે  ખૂબ જ આત્મીયતા સાથે વાત કરી હતી અને આ યુવાઓની પ્રતિભાઓ થી વાકેફ થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે યુવાઓને મળવાથી તેમની સતત કામ કરવાની ઈચ્છા શક્તિમાં વધારો થાય છે.
નાયબ મુખ્યમંત્રીએ આવનાર સમયમાં હાફેશ્વર વિસ્તારને ઈકો ટુરિઝમ તરીકે ડેવલપ કરવાની જાહેરાત કરી હતી. જેમાં, મોટા પાયે માળખાકીય સુવિધાઓનો વિકાસ કરી વિપુલ પ્રમાણમાં સ્થાનિક લોકોને રોજગારી મળે તે દિશામાં કાર્ય કરવા જણાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું આ વિસ્તારમાં ૧૦૦ થી વધુ હોમ સ્ટે ડેવલપ કરવામાં સરકાર સ્થાનિકોને મદદ કરશે. આ ભગીરથ કાર્યને પૂરું પાડવા માટે તેમણે છોટા ઉદેપુર જિલ્લાના યુવાઓનો સહકાર માંગ્યો હતો.
 સંઘવીએ જણાવ્યું હતું કે આપણે માળખાકીય સુવિધાઓ નિર્માણ કરવાની સાથે આ વિસ્તારોમાં સ્વચ્છતા અને આતિથ્ય માટેના ઉચ્ચ માપદંડો રાખવા પડશે. 
આ દ્વિપક્ષીય સંવાદમાં યુવાઓએ પણ મન મૂકીને નાયબ મુખ્યમંત્રીને શિક્ષણ, રોજગાર, સ્પોર્ટ્સ અને સ્થાનિક પર્યટન જેવા વિષયો પર પ્રશ્નો પૂછ્યા હતા. જેમ કે, ખજૂરિયા ગામના પેરાગ્લાઈડર શ્વેતા રાઠવાએ હાફેશ્વરમાં પણ આ પ્રકારની સુવિધા શરૂ કરવા વિનંતી કરી હતી. એવી જ રીતે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી સાધના તન્વીએ પોતાના ડોકટર બની સમાજ સેવા કરવાના સપનાની વાત કરી હતી જેને સંઘવીએ બિરદાવી હતી. અન્ય એક યુવા અને સ્થાનિક પીઠોરા કલાકાર નારણ રાઠવાએ પોતાની ચિત્ર કલાને વૈશ્વિક મંચ પર રજૂ કરવા જરૂરી સહકાર આપવા વિનંતી કરી હતી. તો ધંધોળાના ઉદ્યોગ સાહસિક રાહુલ રાઠવાએ તેણે શરૂ કરેલ સનસેટ કાફેની સફળતાની વાત કરી હતી. આ સિવાય હોકી પ્લેયર ઊર્મિલા રાઠોડ અને પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટર દિનેશ રાઠવાએ પણ પોતાની રમત ક્ષત્રેની પ્રતિભાઓ વિશે જણાવ્યું હતું.

સંઘવીએ આ પ્રતિભાશાળી યુવાઓના સાહસ અને સફળતાને બિરદાવી હતી. તેમણે હાફેશ્વર ખાતે પેરાગ્લાઈડીંગની ફિઝિબિલિટી તપાસ કરવા અને જિલ્લામાં સ્પોર્ટ્સ માટે વિશાળ મેદાન તૈયાર કરવા જરૂરી કામગીરી કરવા વહીવટી તંત્રને સૂચના આપી હતી.

સંઘવીએ અન્ય યુવાઓને પણ આવા સકારાત્મક કાર્યોમાં જોડાઈ આદિવાસી સમાજના ગૌરવને ઉજાગર કરતા કાર્યો અને સરકારની યોજનાકીય લાભની માહિતીનો મહત્તમ પ્રચાર કરવા સૌને અપીલ કરી હતી.
આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ આ વિસ્તારમાં ચાલતા ઈકો ટુરિઝમના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિરિક્ષણ કર્યું હતું અને કોઈ પણ નવી શરૂઆતમાં સ્થાનિક આદિવાસીઓના રોજગારને કેન્દ્રમાં રાખીને કાર્ય કરવા સૂચના આપી હતી.
આ અવસરે ઉપસ્થિત યુવાઓએ છોટા ઉદેપુરના લોકપ્રિય ટીમલી નૃત્યથી નાયબ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું ત્યારે શ્રી હર્ષ સંઘવી પણ મન મૂકીને યુવાઓ સાથે ટીમલીના તાલે ઝૂમ્યા હતા.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, સાંસદજશુભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ ડો. મુકેશ રાઠવા, છોટા ઉદેપુર નગરપાલીકા પ્રમુખ ઉપેન્દ્ર પટેલ, કલેકટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી ઓમકાર શિંદે, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સહિત અન્ય સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

(2:33 PM IST)