તા. ૧૫ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૬ રવિવાર
News of Sunday, 15th November 2026
છેલ્લા સાત-આઠ વર્ષથી અક્ષય કુમાર કુડો ટુર્નામેન્ટના આયોજનમાં સતત સમય અને સહયોગ આપીને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
જીવનમાં સુખ, શાંતિ અને સેવાની સાથે સ્વાસ્થ્યને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ: અભિનેતા અક્ષય કુમાર:મહિલા સશક્તીકરણ માટે અક્ષય કુમાર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી કુડો અને આત્મરક્ષણની તાલીમ આપવાના પ્રયાસો સરાહનીય: ડૉ. લક્ષ્યરાજસિંહ મેવાડ

અમદાવાદ : રમતગમત માત્ર શારીરિક ક્ષમતા કેળવવાનું માધ્યમ નથી પરંતુ યુવાનોમાં શિસ્ત, આત્મવિશ્વાસ, સમર્પણ અને આત્મરક્ષણની ભાવના વિકસાવવાનું પણ સશક્ત માધ્યમ છે. ગુજરાતમાં કુડો રમતને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે તક પૂરી પાડવાના હેતુથી યોજાતી આંતરરાષ્ટ્રીય કુડો ટુર્નામેન્ટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જાણીતા અભિનેતા અક્ષય કુમાર અને મહારાણા ઓફ મેવાડ ચેરિટેબલ ફાઉન્ડેશનના ચેરમેન તથા મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. લક્ષ્યરાજસિંહ મેવાડે સહભાગી થઈ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ યુવાનો વતી તેઓ અભિનેતા અક્ષય કુમારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. રમત પ્રત્યે આટલી નિષ્ઠા અને સમર્પણ દાખવવું ખરેખર પ્રેરણાદાયી છે. સફળતા અને વ્યસ્તતા વચ્ચે પણ છેલ્લાં સાતથી આઠ વર્ષથી એક પણ વર્ષનો વિરામ લીધા વિના અક્ષય કુમાર કુડો ટુર્નામેન્ટના આયોજન માટે સતત સમય અને સહયોગ આપી રહ્યા છે. ફિલ્મોના શૂટિંગ સહિતના વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ તેઓ દર વર્ષે આ રમત માટે સમય ફાળવે છે, જે તેમની રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વધુમાં તેમણે કહ્યું કે અક્ષય કુમાર આજના યુવાનો માટે ફિટનેસ, શિસ્ત અને સમર્પણના ઉત્તમ પ્રેરણાસ્ત્રોત છે. એક સમયે નિયમિત કસરત અને દોડવા જતા યુવાનોની મિત્રો મજાક કરતા હતા, પરંતુ આજે ફિટનેસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા લાખો યુવાનોને પ્રેરણા પૂરી પાડી રહી છે. સુરતથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટને અમદાવાદમાં રાજ્યકક્ષાએથી રાષ્ટ્રીય સ્તરે વધુ વ્યાપક પ્લેટફોર્મ મળે તે માટે ગુજરાત સરકાર પણ જરૂરી સહયોગ આપશે. આગામી વર્ષોમાં સૌના સહિયારા પ્રયાસોથી કુડો રમતને ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવી ઊંચાઈએ લઈ જવામાં આવશે.
અભિનેતા અક્ષય કુમારે આ આંતરરાષ્ટ્રીય કુડો ટુર્નામેન્ટના આયોજનમાં સહયોગ આપનાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત તમામ મહાનુભાવો અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. છેલ્લા ૧૮ વર્ષથી યોજાતી આ ટુર્નામેન્ટમાં સૌથી મહત્ત્વનું પાસું ખેલાડીઓનું સ્વાસ્થ્ય અને શારીરિક તંદુરસ્તી છે તેમ જણાવી તેમણે કહ્યું કે જીવનમાં સુખ, શાંતિ અને સેવાની સાથે સ્વાસ્થ્યને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. સ્વસ્થ શરીર હશે તો જ જીવનમાં અન્ય સકારાત્મક કાર્યો કરી શકીશું. તેમણે ટુર્નામેન્ટના સફળ આયોજનમાં સેવા આપતા ૩૦૦થી વધુ રેફરી, શિક્ષકો અને તમામ ખેલાડીઓના યોગદાનને બિરદાવ્યું હતું.
વાલીઓનો વિશેષ આભાર વ્યક્ત કરતાં અક્ષય કુમારે જણાવ્યું હતું કે બાળકોને કુડો જેવી આત્મરક્ષણની રમત શીખવા માટે પ્રોત્સાહિત કરવામાં વાલીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આવી રમતો બાળકોમાં શિસ્ત, સમર્પણ અને આત્મવિશ્વાસ વિકસાવે છે. તેમણે પોતાના જીવનમાં માતા-પિતાના માર્ગદર્શન અને પ્રેરણાને સફળતાનું મહત્ત્વપૂર્ણ કારણ ગણાવ્યું હતું. દરેક વિદ્યાર્થીના અભ્યાસક્રમમાં માર્શલ આર્ટ્સને અનિવાર્ય હિસ્સો બનાવવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરતાં તેમણે આ વિચાર દેશના વડાપ્રધાનશ્રી સુધી પહોંચે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
મહારાણા ઓફ મેવાડ ચેરિટેબલ ફાઉન્ડેશનના ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. લક્ષ્યરાજસિંહ મેવાડે ખેલાડીઓ અને આયોજકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે જીવનમાં પડકારો સામે ઝૂક્યા વિના હિંમત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ. કોઈ પણ સારાં કાર્યની પ્રશંસા ખુલ્લા દિલથી થવી જોઈએ અને તેની પાછળના નિઃસ્વાર્થ પ્રયાસોને પણ બિરદાવવા જોઈએ.
તેમણે કુડો રમતના ખેલાડીઓ દ્વારા સ્પર્ધા પહેલાં એકબીજા પ્રત્યે દર્શાવવામાં આવતા સન્માન અને શિસ્તની ભાવનાને ભારતીય સંસ્કૃતિના સંસ્કારો સાથે જોડતાં તેની પ્રશંસા કરી હતી. રમતગમતના ક્ષેત્રમાં પણ પરસ્પર આદર અને સન્માનની ભાવના જળવાઈ રહે તે આવકારદાયક છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે અક્ષય કુમાર ફાઉન્ડેશન દ્વારા છેલ્લાં ૧૫ વર્ષથી મહિલાઓને કુડો અને આત્મરક્ષણની તાલીમ આપીને મહિલા સશક્તીકરણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની વિશેષ સરાહના કરી હતી. મહિલાઓને આત્મનિર્ભર, સક્ષમ અને સાહસિક બનાવવાની દિશામાં આ પ્રયાસો મહત્ત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
