તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
મોઢવાડામાં ૭.૫ કરોડના ખર્ચે બનેલા લીરબાઈ માઁ મહેર સમાજ ભવનનું મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય લોકાર્પણ થયું
સામાજિક સમરસતા, સોલાર સુવિધા અને રમતગમતથી સજ્જ ભવન સૌ સમાજો માટે ખુલ્લું રહેશે, વ્યસનમુક્તિ અને વિકસિત પોરબંદરનો સંદેશ અપાયો અને વિકાસની વાતો થઈ

(પરેશ પારેખ દ્વારા પોરબંદર) પોરબંદર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા તથા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં પોરબંદરના મોઢવાડા ગામે નવનિર્મિત લીરબાઈ માઁ મહેર સમાજ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આઈ શ્રી લીરબાઈ માઁ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત મોઢવાડા ગામના સંયુક્ત ઉપક્રમે આશરે રૂ. ૭.૫ કરોડના ખર્ચે નિર્મિત આ ભવનના લોકાર્પણ સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરી સમાજના લોકોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આ ભવન સમાજની સામૂહિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઉપયોગી બનશે. તેમણે ઉપસ્થિત સૌને વિક્રમ સંવત ૨૦૮૩ ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ ના મંત્રને સાકાર કરતું આ ભવન સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે, તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પોરબંદર અને દ્વારકા જિલ્લાની સરહદે આવેલા મોઢવાડા જેવા ગામમાં શહેરોને ટક્કર મારે તેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ ભવન માત્ર મહેર સમાજ પૂરતું સીમિત ન રહેતા ગામના તમામ સમાજના લોકોને વિવિધ સામાજિક અને સામૂહિક પ્રસંગો માટે ઉપયોગી બને તેવા હેતુથી નિર્માણ પામ્યું છે. ભવનના નિર્માણમાં ગામની દીકરીઓથી લઈને યુનાઇટેડ કિંગડમ સહિત દેશ-વિદેશમાં વસતા દાતાઓએ આપેલા યોગદાન અને વતનપ્રેમને તેમણે બિરદાવ્યો હતો.
મહેર સમાજના શૌર્યપૂર્ણ ઇતિહાસને યાદ કરતાં મુખ્યમંત્રીશ્રીએ વર્ષ ૧૯૭૧ ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં માત્ર ૨૧ વર્ષની વયે વીરગતિ પામેલા વીર યોદ્ધા નાગાજણ સિસોદિયાને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે જ તેમણે મહેર સમાજની મહેનત, સાહસ અને વિશ્વવિખ્યાત મણિયારા રાસની સમૃદ્ધ સંસ્કૃતિની પ્રશંસા કરી હતી. ભવનમાં ૮૦ કિલોવોટની સોલાર સિસ્ટમ સ્થાપિત કરાઈ છે, કેચ ધ રેઈન અભિયાન અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ માટે વિશાળ ભૂગર્ભ ટાંકીની વ્યવસ્થા કરાઈ છે અને યુવાનો માટે બોક્સ ક્રિકેટ, ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટબોલ તેમજ ઇન્ડોર ગેમ્સની સુવિધાઓ ઊભી કરાઈ છે.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે સમાજવાડી એ સમાજની વ્યવસ્થાનું કેન્દ્ર અને સંસ્કૃતિનું પ્રતીક છે. આ ભવનની સુવિધાનો લાભ માત્ર એક સમાજને નહીં, પરંતુ મોઢવાડા ગામના તમામ સમાજોને મળશે. તેમણે સમાજને વ્યસનમુક્તિનો સંકલ્પ લેવા અપીલ કરી હતી અને સમાજવાડીમાં યોજાતા દરેક સામાજિક, ધાર્મિક અને લગ્નપ્રસંગો વ્યસનમુક્તિના સંદેશ સાથે પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિકસિત ભારત-૨૦૪૭ ના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાત, વિકસિત પોરબંદર અને વિકસિત મોઢવાડાના નિર્માણ માટે સૌના સહિયારા પ્રયાસો જરૂરી હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ મોઢવાડા ગામમાં એમપી-એમએલએ ગ્રાન્ટ હેઠળ સીસી રોડ અને પેવર બ્લોક સહિતનાં માળખાકીય વિકાસનાં કામો, કુછડી ખાતે ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટરનું પ્રગતિમાં રહેલું કામ અને મોચા ગામે મરીન બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર વિકસાવવાની પહેલની માહિતી આપી હતી. દરિયાઈ વેપાર, મત્સ્ય ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રે પોરબંદર જિલ્લામાં વિકાસની વિશાળ સંભાવનાઓ રહેલી છે. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિતના મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ, સમાજના આગેવાનો-દાતાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
