<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

મોઢવાડામાં લીરબાઈ માતાજીના મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા, રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી અને ધન્યતા અનુભવી

સમાજ ભવનના લોકાર્પણ પૂર્વે મુખ્યમંત્રીએ માતાજીના ચરણે શીશ ઝુકાવ્યું, કેન્દ્રીય મંત્રી માંડવિયા અને વન મંત્રી મોઢવાડિયા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

(પરેશ પારેખ દ્વારા પોરબંદર)પોરબંદર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે પોરબંદર જિલ્લાના પ્રવાસે છે. મોઢવાડા ખાતે શ્રી લીરબાઈ માઁ મહેર સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમ પૂર્વે તેમણે શ્રી લીરબાઈ માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ માતાજીના ચરણે શીશ ઝુકાવી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

મંદિર પરિસરમાં મુખ્યમંત્રીશ્રીના આગમન સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. સમાજના ભાઈ-બહેનો અને ગ્રામજનોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ મંદિરમાં દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. લીરબાઈ માતાજી મહેર સમાજના કુળદેવી તરીકે પૂજાય છે અને સમાજના લોકોની તેમના પ્રત્યે અપાર શ્રદ્ધા રહેલી છે.

આ પ્રસંગે પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ પણ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

મંદિર દર્શન બાદ મુખ્યમંત્રીશ્રી લીરબાઈ માઁ મહેર સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં જોડાયા હતા. સમાજ ભવનના નિર્માણમાં દેશ-વિદેશમાં વસતા દાતાઓ અને ગ્રામજનોનું યોગદાન રહેલું છે. આ ભવન સમાજની સામૂહિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે, તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ હતી.

મોઢવાડા ગામ મહેર સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, શૌર્ય અને મણિયારા રાસ માટે જાણીતું છે. લીરબાઈ માતાજીનું મંદિર ગામની આસ્થાનું કેન્દ્ર છે અને દરેક શુભ કાર્યની શરૂઆત અહીં દર્શનથી થાય છે. આ પરંપરા મુજબ જ સમાજ ભવનના લોકાર્પણ પહેલા મુખ્યમંત્રીશ્રીએ માતાજીના દર્શન કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાતથી મોઢવાડા ગામ અને મહેર સમાજમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ રાજ્યની સુખાકારી અને સમૃદ્ધિ માટે કરાયેલી પ્રાર્થનાને આવકારી હતી.

(7:48 PM IST)