તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 15th November 2026
સુરતના હીરા ઉદ્યોગમાં શિવમ જ્વેલ્સનું અનોખું દ્રષ્ટાંત : ૮૫૦ કર્મચારીઓ અને પરિવારજનોને સ્પેશિયલ એ.સી. ટ્રેન દ્વારા ૧૦ દિવસની ‘સત્યમ શિવમ સુંદરમ્’ ધર્મયાત્રા કરાવી
તા. ૬ થી ૧૭ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન મથુરા, હરિદ્વાર અને ઋષિકેશની પાવન ધરા પર દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજની ભવ્ય ઉજવણી : સ્વામી ચિદાનંદ સરસ્વતીજી અને બાબા રામદેવજીના આશીર્વચન સાથે રિવર રાફ્ટિંગ, માયાભાઈ આહીરનો હાસ્ય દરબાર અને ઓસમાણ મીરના ડાયરાની રંગત જામી

સુરત: હીરા ઉદ્યોગની અગ્રણી કંપની શિવમ જ્વેલ્સ દ્વારા પોતાના ૮૫૦ જેટલા કર્મચારીઓ અને કારીગરોને સહપરિવાર 'શિવમ ગંગે એક્સપ્રેસ' સ્પેશિયલ એ.સી. ટ્રેન મારફતે ૧૦ દિવસની ભવ્ય ધર્મયાત્રા કરાવીને સમગ્ર ઉદ્યોગ જગતમાં એક પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવ્યું છે. તારીખ ૬ નવેમ્બર થી ૧૭ નવેમ્બર ૨૦૨૬ સુધી દિવાળી વેકેશન દરમિયાન આયોજિત આ 'સત્યમ શિવમ સુંદરમ્' યાત્રામાં મથુરા, હરિદ્વાર અને ઋષિકેશના પાવન તીર્થધામો ખાતે દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના પર્વની અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શિવમ જ્વેલ્સના અશ્વિનભાઈ શંકર, નિકુંજભાઈ શંકર, પ્રિયલભાઈ શંકર અને તેમની ટીમ દ્વારા આ યાત્રાનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં શંકર પરિવારના વડીલો દુલાભાઈ શંકર, ઘનશ્યામભાઈ શંકર અને તુલસીભાઈ શંકર પણ જોડાયા હતા.
૧ વર્ષના માસૂમ બાળકથી લઈને ૮૦ વર્ષના વડીલો સુધીના તમામ વયજૂથના યાત્રાળુઓ માટે ઉત્તરાખંડની દેવભૂમિમાં અત્યંત સૂક્ષ્મ આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન સ્પેશિયલ રસોઈયાઓની ટીમ દ્વારા ચા-પાણીથી લઈને શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા ગોઠવાઈ હતી, જ્યારે ઋષિકેશ ખાતે ગંગા કિનારે આવેલા પરમાર્થ નિકેતનમાં ઉતારાની સગવડ કરવામાં આવી હતી. શંકર પરિવારના વરિષ્ઠ માતૃશ્રીમતી પુરીબા શંકરે પણ આ યાત્રામાં ઉપસ્થિત રહી ગંગા નદીમાં પવિત્ર ડૂબકી લગાવી હતી અને ગંગામૈયા તથા મહાદેવને કંપનીના તમામ સભ્યોના ઉત્તમ સ્વાસ્થ્ય તેમજ શારીરિક, માનસિક અને આર્થિક ઉત્કર્ષ માટે પ્રાર્થના કરી હતી. ભારતીય ઉદ્યોગ જગતની જૈન સમાજની 'મહાજન' પરંપરાને જીવંત રાખતા તમામ ધર્મ અને જ્ઞાતિના કર્મચારીઓ એક જ પરિવારની ભાવનાથી આ યાત્રામાં જોડાયા હતા.
યાત્રાળુઓના આધ્યાત્મિક, સામાજિક અને માનસિક વિકાસ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સ્વામી ચિદાનંદ સરસ્વતીજીએ માનસિક સ્વાસ્થ્ય અંગે આશીર્વચન પાઠવ્યા હતા, જ્યારે યોગગુરુ બાબા રામદેવજીએ શારીરિક તંદુરસ્તી માટે યોગ, પ્રાણાયામ અને ધ્યાનનું માર્ગદર્શન આપ્યું હતું. ભાગવતાચાર્ય કુંડળ કૃષ્ણ પ્રભુજીએ હિમાલય અને ગંગા અવતરણ વિશે પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત બાળકો માટે વિવિધ રમતો અને હાઉઝી ગેમ્સની સાથે ૧૨ અને ૧૮ કિલોમીટર સુધીની એડવેન્ચર ગંગા રિવર રાફ્ટિંગનું આયોજન કરાયું હતું, જેમાં ૬૦૦ જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગાયક ઋષભ અગ્રાવતે ભજનો અને રાસની રમઝટ બોલાવી હતી, હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે જીવનની વાસ્તવિકતાઓ પર માર્મિક હાસ્ય પીરસ્યું હતું, મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયાએ ટેકનોલોજીના યુગમાં લાગણીના સંબંધો જાળવી રાખવા અંગે સમજણ આપી હતી, તેમજ 'ગુજરાતી જલસો' કાર્યક્રમમાં ઓસમાણ મીર અને તેમના સુપુત્ર આમિર મીરે ગીત, ગઝલ, ભજન અને દુહા-છંદથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર યાત્રાનું સુંદર સંચાલન મિત મિશ્રા દ્વારા કરવામાં આવ્યું હતું.
ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરાથી યાત્રાનો પ્રારંભ થયો હતો, જ્યાં સૌએ કૃષ્ણ જન્મસ્થળ, ચંદ્રોદય મંદિર, પ્રેમમંદિર અને ઈસ્કોન મંદિરના દર્શન કર્યા હતા. ત્યારબાદ હરિદ્વારમાં યોગગ્રામના પતંજલિ આશ્રમ, હરકી પૌડીની ગંગા આરતી, હિમાલયની ગોદમાં આવેલા પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર તેમજ ઋષિકેશના ઈસ્કોન અને સ્વામિનારાયણ મંદિરના દર્શનનો લ્હાવો લીધો હતો. રાજા ભગીરથની તપસ્યાને યાદ કરતા યાત્રાળુઓએ ગંગામૈયામાં સ્નાન કરી પિતૃઓના આત્મકલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી અને પરમાર્થ નિકેતન આશ્રમમાં ગૃહશાંતિ માટે હવન તથા યોગનો લાભ લીધો હતો. આ અવિસ્મરણીય યાત્રાના સફળ આયોજન બદલ તમામ કર્મચારીઓ અને પરિવારજનોએ શિવમ જ્વેલ્સ અને ઘનશ્યામભાઈ શંકરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. (આલેખન - રાજેશ પટેલ : અહેવાલ - મુકેશ પંડિત)
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
