<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

રાજ્યપાલ આચાર્ય દેવ્રતજીની ઉપસ્થિતિમાં નડિયાદ તાલુકાના નરસંડા ગામે યોજાઈ રાત્રિ સભા

રાજ્યપાલએ બાળ સંસ્કાર, નિર્વ્યસન, કન્યા કેળવણી, સામાજિક સૌહાર્દ, પ્રાકૃતિક ખેતી તથા પશુપાલન જેવા વિષયો અંગે ગ્રામજનોમાં કર્યું સકારાત્મક ઉર્જાનું સિંચન:સમર્પણ અને સદભાવ ભારતીય સંસ્કૃતિની મૂલ્યવાન આધારશિલા: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી:ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અભિયાન અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો 51મો કાર્યક્રમ

ખેડા જિલ્લાના નરસંડા ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પટેલ વાડી પાસે ગ્રામ ચોક ખાતે રાત્રિ સભા યોજાઈ હતી.
રાજ્યપાલએ બાળ સંસ્કાર, નિર્વ્યસન, કન્યા કેળવણી, લિંગ સમાનતા, સામાજિક સૌહાર્દ અને સમરસતા, પ્રાકૃતિક ખેતી તથા પશુપાલન જેવા વિષયો અંગે ગ્રામજનોમાં સકારાત્મક ઉર્જાનું સિંચન કર્યું હતું.
રાજ્યપાલએ સૌ પ્રથમ મનુષ્યની વિભાવના સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે બીજાના સુખ: દુઃખમાં સહભાગી બને તે મનુષ્ય. તેમણે ઉમેર્યું કે સમર્પણ અને સદભાવ ભારતીય સંસ્કૃતિની મૂલ્યવાન આધારશિલા છે. ત્યારે નરસંડાના વાલીઓને રાજ્યપાલએ પોતાના બાળકમાં શિક્ષણ સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન કરવા જણાવ્યું હતું. તેમણે વાલીઓને તેમના બાળકોની ટેવ અને સંગતથી પણ સજાગ રહેવા જણાવ્યું હતું.
કન્યા કેળવણી અને લિંગ સમાનતાનું મહત્વ ઉજાગર કરતા તેમણે ઉપસ્થિત ગ્રામજનોને દીકરા દીકરીને સમાન તક અને સમાન શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો. તથા શિક્ષણના હકથી સમાજના કોઈ પણ વર્ગનું બાળક વંચિત ના રહી જાય તે સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.
આ તકે રાજ્યપાલએ સમાજમાં વ્યાપ્ત જાતિ અને ધાર્મિક ભેદભાવનું ખંડન કર્યું હતું. તેમણે વેદ, ઉપનિષદ અને ગીતામાં આપેલ મનુષ્યની વિભાવનાને ઉજાગર કરી સૌને સમાનતા, બંધુતા અને સામાજિક સૌહાર્દ રાખવા અપીલ કરી હતી.
આચાર્ય દેવવ્રતજીએ દેશી ગાય, પશુપાલન અને પ્રાકૃતિક ખેતીના લાભથી લોકોને માહિતગાર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત રાજ્યના જુદા જુદા ગામોમાં ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અભિયાન અંતર્ગત મુલાકાત લઈ સમાજ ઉપયોગી વિવિધ વિષયો પર માર્ગદર્શન આપતા હોય છે. ત્યારે આ શૃંખલામાં ૫૧માં કાર્યક્રમ તરીકે તેમણે નડિયાદ તાલુકાના નરસંડા ગામની મુલાકાત લીધી હતી.

આ તકે કલેકટરશ્રી એન.વી.ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદબોધનમા નરસંડા ગામે આયોજિત સેવા સેતુ કાર્યક્રમની સફળતાની વાત કરતા જણાવ્યું કે, ૧૩ વિભાગોની ૫૫ જેટલી યોજનાઓનો આશરે ૪,૨૭૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. તથા સમગ્ર ગુજરાતમાં પીએમજેવાય કાર્ડ હેઠળ ખેડા જિલ્લામાં સૌથી વધુ ક્લેમ મંજૂર કરવા માટેની સિદ્ધિ મળવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

નરસંડા ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં લાભાન્વિત થનાર ૦૫ લાભાર્થીઓને રાજ્યપાલશ્રીના હસ્તે પ્રતિકાત્મક રૂપે યોજનાકીય લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં, શ્રી સોલંકી દાનીબેનને વૃદ્ધ સહાય યોજના, વાઘેલા હેમાંગીનીબેનને કુંવરબાઈનું મામેરું યોજના, ભાનુભાઈ પરસોત્તમભાઈ પટેલને આયુષ્યમાન કાર્ડ, ચંપાબેન કાંતિભાઈ પરમારને વિનામૂલ્યે રાશન અને દીયા નીલેશભાઈ સોલંકીને વ્હાલી દીકરી યોજનાના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતા.

રાત્રિ સભામાં નડિયાદના ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેકટરશ્રી એન.વી.ઉપાધ્યાય, પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.જોગીયા, અધિક કલેકટરશ્રી જે.બી.દેસાઈ, એડિશનલ કલેક્ટરશ્રી વિમલભાઈ બારોટ, નડિયાદ પ્રાંત અધિકારીશ્રી ચિરાગભાઈ નિમાવત, સરપંચશ્રી કપીલાબેન વાઘેલા સહિત ગ્રામજનો, આગેવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં ગામના પ્રબૃધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

(11:52 AM IST)