<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

વડોદરાના અટલાદરા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, માલિક મુકેશ જાધવની ધરપકડ

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના દરોડામાં બે યુવતીઓની મુક્તિ, મસાજના નામે ગ્રાહકો પાસેથી તગડી રકમ વસૂલવામાં આવતી

વડોદરા : વડોદરા શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા 'નિરવાના સ્પા'માં ચાલતા દેહવ્યાપારના નેટવર્ક પર વડોદરા પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા દરોડો પાડીને સેક્સ રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે સ્થળ પરથી બે યુવતીઓને મુક્ત કરાવી છે અને સ્પાના માલિક મુકેશ જાધવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને ચોક્કસ બાતમી મળી હતી કે, અટલાદરા વિસ્તારમાં 'નિરવાના' નામથી ચાલતા સ્પા સેન્ટરમાં મસાજની આડમાં ગેરકાયદેસર રીતે દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. આ બાતમીની ખરાઈ કર્યા બાદ પોલીસની ટીમે ડમી ગ્રાહક મોકલીને છટકું ગોઠવ્યું હતું. ડમી ગ્રાહક તરફથી ગ્રીન સિગ્નલ મળતા જ AHTUની ટીમે સ્પા પર ઓચિંતો દરોડો પાડ્યો હતો.

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, સ્પાનો માલિક મુકેશ જાધવ છેલ્લા ઘણા સમયથી આ સ્થળે બહારથી યુવતીઓને બોલાવીને સેક્સ રેકેટ ચલાવતો હતો. આરોપી સ્પા માલિક આવતા ગ્રાહકો પાસેથી મસાજના નામે પ્રતિ યુવતી દીઠ રૂ. 3,000 થી 4,000 જેટલી તગડી રકમ વસૂલ કરતો હતો અને તેમાંથી અમુક હિસ્સો યુવતીઓને આપી પોતે મોટો આર્થિક ફાયદો મેળવતો હતો.

દરોડા દરમિયાન પોલીસે સ્પામાંથી બે યુવતીઓને દેહવ્યાપારની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. તેમજ સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સ્પા માલિક મુકેશ જાધવ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ અને આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલતી હતી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:52 AM IST)