તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 21st November 2026
સંમતિના સંબંધોમાં તિરાડ પડે તો તેને દુષ્કર્મના ગુનામાં ફેરવી શકાય નહીં
ન્યાયતંત્રની મશીનરીનો દુરુપયોગ થઈ રહ્યો હોવાની ગુજરાત હાઇકોર્ટની લાલબત્તી : પૂર્વ પ્રેમી અને અન્ય યુવકને નિર્દોષ છોડવાના ચુકાદા સામે મહિલાની અપીલ ફગાવાઈ

અમદાવાદ,તા.૨૧: સંતાનોની માતા એવી ૩૫ વર્ષીય પરિણીત મહિલાએ તેના પૂર્વ પ્રેમી અને અન્ય યુવક વિરુદ્ધ દુષ્કર્મ, નગ્ન ફોટા પાડી બ્લેકમેઇલ કરવાના પ્રકરણમાં નોંધાવેલી ફરિયાદના કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે બંને યુવકોને નિર્દોષ છોડી મૂક્યા હતા. જેની સામે ફરિયાદી મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અપીલ હાઇકોર્ટે ફગાવી દીધી હતી અને ટ્રાયલ કોર્ટનો હુકમ બહાલ રાખ્યો હતો. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, પ્રસ્તુત કેસમાં આ સંબંધો પરસ્પર સંમતિથી બંધાયા હતા અને સંબંધોમાં તિરાડ પડવાથી તેને દુષ્કર્મના ગુનામાં ફેરવી શકાય નહીં.
કેસની વિગતો અનુસાર ૩૫ વર્ષીય પરિણીત અને બે સંતાનોની માતા વર્ષ ૨૦૧૯માં ફેસબુક મારફતે પાર્થ નામના યુવકના સંપર્કમાં આવી હતી. મહિલાનો આક્ષેપ હતો કે પાર્થે તેને અમદાવાદના એક ગેસ્ટહાઉસમાં લઈ જઈ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ ફોટા વાયરલ કરવાની ધમકી આપી ગેસ્ટહાઉસ અને ગાંધીનગરની એક હોટલમાં વારંવાર શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી. વધુમાં, કિશન નામના અન્ય યુવકને આ ફોટા વિશે જાણ થતાં તેણે પણ શારીરિક સંબંધની માગણી કરી હોવાનો આક્ષેપ કરી વર્ષ ૨૦૨૨માં શહેરના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ કેસમાં બંને આરોપીઓને અમદાવાદ સેશન્સ કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા હતા.
આ ચુકાદાથી નારાજ થઈ ફરિયાદી મહિલાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરેલી ક્રિમિનલ અપીલને હાઈકોર્ટે પણ કાઢી નાખી હતી. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ટાંકતાં જણાવ્યું કે, દુષ્કર્મના કેસમાં એકમાત્ર ભોગ બનનારની જુબાનીના આધારે સજા થઈ શકે છે, પરંતુ તે જુબાની સંપૂર્ણ વિશ્વસનીય, વિરોધાભાસ વિનાની અને શંકાથી પર હોવી જોઈએ, જે આ કેસમાં જોવા મળતી નથી. આ ઉપરાંત, ફરિયાદ નોંધાયાના એક દિવસ પહેલાં જ ફરિયાદીના પતિ અને બીજા આરોપી કિશન વચ્ચે ગાડી પાર્ક કરવા બાબતે ઝઘડો થયો હતો અને કોઈ વાંધાજનક ફોટા પણ મળ્યા ન હોવાથી તેના પરના આક્ષેપો સાબિત થતા નથી. પરસ્પર સંમતિના સંબંધોને દુષ્કર્મમાં ખપાવવાથી ગંભીર ગુનાની ગંભીરતા ઘટે છે અને ન્યાયતંત્રની મશીનરીનો દુરુપયોગ થાય છે તેમ જણાવી હાઇકોર્ટે અપીલ નકારી કાઢી હતી.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
