<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોના ગૌરવવંતા રજવાડા 'સોનાની હાટડી' પુસ્તકનું વિમોચન કર્યું

'એકતામાં શક્તિ છે, વ્યક્તિગત તાકાત કરતાં સામૂહિક તાકાત વધારે પ્રભાવશાળી' - મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વથી ગુજરાતના વિકાસ અને ભવિષ્યના પડકારોને નાથવાના અભિયાન પર ભાર

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોના ગૌરવવંતા રજવાડા 'સોનાની હાટડી' પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તકમાં પાટડીના રાજવી દરબારો અને દેસાઈ ભાયાતોની આશરે ૭૫૦ વર્ષની વંશાવલીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે એકતામાં શક્તિ રહેલી છે. જ્યારે લોકો એકતાથી કાર્ય કરે છે, ત્યારે મોટામાં મોટા કાર્યો પણ સરળતાથી પાર પાડી શકાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે વ્યક્તિગત તાકાત કરતાં સામૂહિક તાકાત હંમેશા વધારે પ્રભાવશાળી હોય છે.
તેમણે વધુમાં કહ્યું કે, આઝાદીની લડાઈનો પ્રારંભ અસહકારના આંદોલનથી થયો હતો, જ્યારે આજનો સમય "સહકારથી સમૃદ્ધિ" નો છે. જે સમાજના લોકો એકબીજા સાથે સહકારથી, સહાનુભૂતિથી અને પરસ્પર વિશ્વાસથી જોડાયેલા હોય, તેનો વિકાસ સતત આગળ વધતો જ રહે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે. આ માટે વડાપ્રધાને સ્વચ્છતાથી માંડીને સેમિકંડક્ટર અને ગ્રીન એનર્જી સહિતની બાબતોને પ્રાધાન્ય આપ્યું છે.
તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નવ સંકલ્પો વિશે વાત કરતાં કહ્યું કે, તેમણે ભવિષ્યમાં આવનારા પડકારોને નાથવા માટેના અભિયાન અત્યારથી જ શરૂ કર્યા છે. તેમણે સ્વચ્છતાને સ્વભાવ બનાવીને દેશના વિકાસની સાથે આપણી વિરાસતને પણ જિવંત રાખવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ ગ્લોબલ વોર્મિંગના પડકારને હરાવવા માટે 'એક પેડ મા કે નામ' જેવા અભિયાનો થકી ગ્રીન કવર વધારવા અને 'કેચ ધ રેઇન' જેવી ઝુંબેશ દ્વારા ભાવિ પેઢીમાં જળસંચયની આદત વિકસાવવા પર પણ ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવામાં સૌને સાથે મળીને દેશ અને રાજ્યના વિકાસમાં પોતાની જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો હતો.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલ</b>એ જણાવ્યું કે, આઝાદી સમયે પાટડીમાં કડવા પાટીદાર સમાજનું એકમાત્ર દેશી રજવાડું હતું. આજે હળથી લઈને હેલિકોપ્ટરનું નિર્માણ આ સમાજના લોકો દ્વારા થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે મંદિરો એ શક્તિના કેન્દ્રો છે, ત્યારે વિશ્વ ઉમિયાધામના નિર્માણમાં દરેક તબક્કે મળેલા સહકાર બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પાટડી દરબારો અને દેસાઈ ભાયાતોના ૭૫૦ વર્ષના ઇતિહાસનું આ પુસ્તક તૈયાર કરનારા પાટીદારોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પાટડી દરબાર કર્ણીસિંહ દેસાઈ, ધારાસભ્ય જીતુભાઈ ભગત, અચલા એજ્યુકેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડો. મફતલાલ પટેલ, ઔડાનાં ચેરમેન ડી.પી. દેસાઈ, સન બિલ્ડર્સના એન.કે. પટેલ, ડો. રાજેશ દેસાઈ, ડો. પ્રતાપ દેસાઈ તથા બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(3:47 PM IST)