News of Sunday, 8th June 2025
ઉપલેટાના ડુમિયાણી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલના આદ્યસ્થાપક અને પૂર્વ શિક્ષણ મંત્રી બળવંતભાઈ મણવર નું નિધન
વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલના પ્રણેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ૮૩ વર્ષની વયે અવસાન પામ્યા : આજે બપોરે અંતિમયાત્રા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા), ધોરાજી : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમિયાણી ખાતે આવેલા વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલના આદ્યસ્થાપક અને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી તથા પોરબંદર વિસ્તારના માજી સાંસદ સભ્ય બળવંતભાઈ મણવરનું ૮૩ વર્ષની વયે નિધન થયું છે. ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રહી ચૂકેલા બળવંતભાઈ મણવરે ડુમિયાણી ખાતે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
સદગતની સ્મશાનયાત્રા આજે બપોરે ૩:૩૦ વાગ્યે વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ખાતેથી નીકળશે. બળવંતભાઈ મણવર કોંગ્રેસના એક પ્રખર નેતા હતા. તેઓ ૧૯૮૦ થી ૧૯૮૫ દરમિયાન માધવસિંહ સોલંકીની સરકારમાં શિક્ષણ મંત્રીના હોદ્દા પર રહ્યા હતા. ત્યારબાદ ૧૯૮૯ થી ૧૯૯૧ દરમિયાન વી.પી. સિંહની સરકારમાં સાંસદ તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી હતી. તે જ અરસામાં તેઓ ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ચેરમેન પણ હતા.
બળવંતભાઈ મણવર ઉપલેટાના ડુમિયાણી ખાતે ૧૨ જેટલી શૈક્ષણિક કોલેજોના સ્થાપક પણ હતા અને તેમને "ગરીબોના બેલી" તરીકે પણ ઓળખવામાં આવતા હતા. બળવંતભાઈ મણવરના નિધનથી ડુમિયાણી સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
