<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

રાજપીપળા-વડોદરા સ્ટેટ હાઇવે પર જેસલપુર ગરનાળા ઉપરનો રોડ બેસી જતાં વાહનો બંધ

માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક મરામત કામ કરી વાહન ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો ચાલુ કરાયા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ ભારે વરસાદની આપેલી આગાહીના પગલે જિલ્લામાં ઓરેંજ એલર્ટ આપતા ગઇકાલથી નર્મદા જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો અને ઠેર-ઠેર રસ્તાઓ પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આજે વરસાદના વિરામ બાદ પાણી ઓસર્યા છે અને જાનમાલને ખાસ મોટું નુકશાન નથી પણ ખેડૂતોના ખેતરોમાં પાકને નુકશાન અને પાણી ભરાયેલા જોવા મળે છે અને નર્મદા નદી અને કરજણ નદીમાં ઘોડાપુર આવ્યા છે.
    નાંદોદ તાલુકાના જેસલપુર બામ પાસે નવા બનાવેલા ગરનાળા ઉપર રોડ બેસી જતા એસટી બસો અને અન્ય મોટા વાહનો આવતા જતા બંધ કરાયા હતા પરંતુ વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે માર્ગ મકાન વિભાગને સૂચના આપતા આ રોડનું મરામત તાત્કાલિક ઘોરણે હાથ ધરીને વાહન વ્યવહારને પુનઃ ચાલુ કરવામાં આવ્યો હતો. ઘરના સ્થળની મુલાકાત માં જિલ્લાના પ્રભારી સચિવ. સંદીપ સાંગલે સાથે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ પણ ઉપસ્થિત રહી ગ્રામજનો અને માર્ગ મકાનના કાર્યપાલક ઇજનેરને ટકાઉ અને કાયમી ઉકેલ માટે અપીલ કરી હતી. પ્રભારી સચિવ અને ધારાસભ્ય એ રોડ અને નાળાનું નિરીક્ષણ કરી માર્ગ મકાન વિભાગના અધિકારીઓને તકેદારી અને સાવધાની માટે સૂચના આપી હતી. અને જિલ્લામાં ક્યાંય પણ રસ્તાઓ બંધ થાય કે તૂટી ગયેલાનું તાત્કાલિક ધોરણે સમારકામ અને ખાડા પડી ગયેલ તેનું પેચવર્ક કરવા પણ તાકિદ કરવામાં આવી હતી અને લોકોને ક્યાંય મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે પ્રકારે કામ કરવા જણાવ્યું હતું.

(10:58 PM IST)