<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ

પોળો જંગલ વિસ્તારમાં આવેલ પોળો કેમ્પ સાઇટ તથા પોળોના જંગલો જોવા આવતા પ્રવાસીઓને હાલની ડિઝાસ્ટર સબંધિત પરિસ્થિતીની જાણ ન હોવાથી પ્રવાસીઓનો ધસારો વધ્યો : સાવચેતી માટે અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ પોળોના જંગલોમાં તથા પોળો. કેમ્પ સાઇટ પર હાલમાં પ્રવાસીઓનો ધસારો વધુ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં થયેલ ભારે વરસાદના કારણે હાલમાં વિજયનગર તાલુકામાં આવેલ વણજ ડેમમાં પાણી ફુલ સપાટીએ ભરાઇ ગયેલ છે. તેમજ હાલમાં ઉપરવાસમાં વરસાદ થઇ રહેલ હોવાથી વણજ ડેમમાં પાણીની આવક સતત વધી રહેલ છે. જેથી વણજ ડેમના દરવાજા ખોલી અને રોજ રોજ ૨૦૦૦ થી ૩૦૦૦ કયુસેક પાણીની જાવક કરવામાં આવી રહેલ છે. જેના કારણે હરણાવ નદી હાલમાં બે કાંઠે વહી રહેલ છે. જેથી સ્થાનિક વહીવટી તંત્ર ધ્વારા નદી કિનારે આવેલા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવેલ છે અને લોકો નદીમાં ના ઉતરે તે માટે તકેદારી રાખવા તાકીદ કરવામાં આવેલ છે. 

  પરંતુ, પોળો જંગલ વિસ્તારમાં આવેલ પોળો કેમ્પ સાઇટ તથા પોળોના જંગલો જોવા આવતા પ્રવાસીઓને હાલની ડિઝાસ્ટર સબંધિત પરિસ્થિતીની જાણ ન હોવાથી પ્રવાસીઓનો ધસારો ખુબ વધી રહેલ છે અને પ્રવાસીઓ હરણાવ નદીના પટમાં ગમે ત્યા પાણીમાં ઉતરતા હોવાનું જોવા મળેલ છે. હાલના સંજોગોમા ડેમમાંથી અવાર-નવાર પાણી છોડવામાં આવી રહેલ છે. ત્યારે ટુંકા સમયગાળામાં પ્રવાસીઓને ખસેડવાની ફરજ પડતી હોય છે. પરંતુ, પોળો પ્રવાસન સ્થળ જંગલ વિસ્તારમા આવેલ હોઇ મોબાઇલ નેટવર્કના અભાવે તાકીદના સંજોગોમાં ટેલિફોનિક કોમ્યુનિકેશન થઇ શકતું નથી. જેથી ટુંકા સમયગાળામાં તમામ પ્રવાસીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવે તે સંભવ થઇ શકે તેમ નથી

  . જેથી ભારે પુરના સંજોગોમાં જાન-માલને નુકશાન થવાની સંભાવના રહેલ હોઈ પોળો પ્રવાસન સ્થળે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટથી ખેડબ્રહ્માએ જાહેરનામું પ્રસિધ્ધ કરવા રજુઆત કરેલ છે.

  કાર્યપાલક ઇજનેર સાબરકાંઠા સિંચાઇ વિભાગ, હિંમતનગરે વિજયનગર તાલુકામાં આવેલ હરણાવ જળાશય તેની કુલ ક્ષમતા ૩૩૨.૦૦ મીટરે ૧૦૦% ભરાયેલ હોઇ તેમજ જળાશયમાં પાણીની આવકને જોતાં જળાશયનું રૂલ લેવલ જાળવવા ૧૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતું હોવાનું અને હાલમાં વરસાદની આગાહી હોઇ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ થતા પાણીની આવકના અનુસંધાનમાં સપાટી જાળવવા વધુ જથ્થામાં પાણી છોડવાની પરિસ્થિતી ઉદ્ભવી શકે તેમ છે. જેથી તકેદારીના ભાગરૂપે હરણાવ જળાશયના નીચાણવાળા પોળો ફોરેસ્ટમાં અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવા રજુઆત કરેલ છે.

   સબબ, ઉક્ત રજુઆતને ધ્યાને લઈ પોળો જંગલમાં અવર-જવર ઉપર પ્રવેશબંધીનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવું જરૂરી જણાય

   જાહેરનામાનો પ્રતિબંધિત વિસ્તાર મોજે-અભાપુર, તા-વિજયનગર, જિ-સાબરકાંઠાના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના શેડ જાહેરનામાનો પ્રતિબંધ મોજે-અભાપુર, તા-વિજયનગર, જિ-સાબરકાંઠાના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ જાહેરનામાનો પ્રતિબંધિત સમયગાળો આ હુકમ તા.૦૩/૦૯/૨૦૨૪ થી તા.૧૮/૦૯/૨૦૨૪ સુધી ૧૫ દિવસ માટે અમલમાં રહેશે.

   જાહેરનામા મુજબ અપવાદ ઉક્ત પ્રતિબંધ સ્થાનિક રહીશો તેમજ ફરજ ઉપરના સરકારી અધિકારી/કર્મચારીઓ વિગેરેને લાગુ પડશે નહીં 

જાહેરનામાનો ભંગ કરતાં દંડની જોગવાઇ" આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજા/દંડને પાત્ર થશે. આ હુકમ અન્વયે સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે તેનાથી ઉચ્ચ હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો, સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. આ જાહેર હુકમની વ્યક્તિગત રીતે બજવણી શક્ય ન હોઈ એક તરફી ફરમાવવામાં આવે છે અને સંબંધિત તંત્ર ધ્વારા જાહેર પ્રસિધ્ધિ કરવામાં આવશે..

(9:49 PM IST)