News of Saturday, 28th November 2026
અમદાવાદ સિવિલમાં 264મું અંગદાન સંપન્ન: 32 વર્ષીય યુવાનના અંગોથી 3 દર્દીઓને મળશે નવજીવન : જુઓ વિડીયો
અઠવાડિયામાં ત્રીજું અંગદાન; પત્નીએ 28 દિવસના માસૂમ પુત્રને પિતાની અંતિમ હુંફ અપાવી લીધો સંવેદનશીલ નિર્ણય, 1 લીવર અને 2 કિડનીનું દાન

અમદાવાદ : ગાંધીનગર નજીક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ 28 નવેમ્બર, 2026ના રોજ બ્રેઈનડેડ જાહેર કરાયેલા 32 વર્ષીય યુવાનના પરિવારની સંમતિથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં ત્રીજું અને કુલ 264મું અંગદાન સફળતાપૂર્વક સંપન્ન થયું છે, જેના થકી 1 લીવર અને 2 કિડનીનું દાન મળતાં ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. માથામાં ગંભીર ઈજાઓ થતાં 26 નવેમ્બરે દાખલ કરાયેલા યુવાનને બચાવવાના તબીબી પ્રયાસો બાદ બ્રેઈનડેડ જાહેર કરાતાં પત્નીએ માનવતાના હિતમાં અંગદાનનો નિર્ણય લીધો હતો.
આ ઘટનાની સૌથી સંવેદનશીલ ક્ષણ એ રહી કે ત્રણ સંતાનો પૈકી સૌથી નાના 28 દિવસના માસૂમ પુત્રને પિતાની અંતિમ હુંફ અપાવીને માતાએ અડગ મનોબળ સાથે અંગદાનની અનુમતિ આપી હતી, જે સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 264 અંગદાતાઓ થકી 877 અંગો અને 266 પેશીઓ મળી કુલ 1,143 અંગો-પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે, જેમાં 488 કિડની, 238 લીવર, 84 હૃદય, 34 ફેફસાં, 25 સ્વાદુપિંડ, 6 હાથ, 2 નાનાં આંતરડાં, 214 આંખો અને 52 સ્કિનનો સમાવેશ થાય છે.
તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અંગદાન ટીમ, નિષ્ણાત તબીબો અને સ્ટાફના સંકલિત પ્રયાસોથી આ સેવાયજ્ઞ આગળ વધી રહ્યો છે અને કોઈ વ્યક્તિ અંગની રાહ જોતા જીવન ગુમાવે નહીં તે જ આ અભિયાનનો સાચો ઉદ્દેશ્ય છે.
તેમણે સમાજમાં અંગદાન અંગે જાગૃતિ વધારવા અને માનવતાની આ જીવનદાયી ચળવળમાં વધુને વધુ લોકોને સંકલ્પ લઈ સહભાગી થવા માટે જાહેર જનતાને અપીલ પણ કરી હતી.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
