<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, અમદાવાદ ખાતે ૧૬ બેડના અત્‍યાધુનિક સર્જિકલ ‘આઈસીયુ'નું ત્રણ ન્‍યાયમૂર્તિશ્રીઓના વરદ્‌ હસ્‍તે લોકાર્પણ

અમદાવાદઃ ભગવાન શ્રી સત્‍ય સાઈ બાબાના દિવ્‍ય આશીર્વાદથી કાર્યરત શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, કાસિન્‍દ્રા, અમદાવાદ ખાતે આજે ૧૬ બેડના અત્‍યાધુનિક સર્જિકલ ઇન્‍ટેન્‍સિવ કેર યુનિટ   (એસઆઈ સીયુ) નું ગૌરવપૂર્ણ વાતાવરણમાં લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે ઓડિશા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્‍ય ન્‍યાયાધીશ માનનીય જસ્‍ટીસ શ્રી કલ્‍પેશ ઝવેરી, ગુજરાત હાઈકોર્ટના માનનીય જસ્‍ટીસ શ્રી દેવન એમ. દેસાઈ તથા માનનીય જસ્‍ટીસ શ્રી સંજીવ એમ. ઠાકરના વરદ્‌ હસ્‍તે નવા આઈસીયુ લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

ભગવાન શ્રી સત્‍ય સાઈ બાબાના ‘લવ ઓલ, સર્વ ઓલ' ના દિવ્‍ય સંદેશથી પ્રેરિત આ હોસ્‍પિટલ રાજકોટ ખાતે છેલ્‍લા ૨૬ વર્ષથી અને અમદાવાદ ખાતે છેલ્‍લા ૮ વર્ષથી નિઃસ્‍વાર્થ માનવસેવા કરી રહી છે. અહીં દેશના વિવિધ રાજ્‍યોમાંથી આવતા જરૂરિયાતમંદ બાળકોને હૃદયની જાટિલ સર્જરી સહિતની ઉચ્‍ચ ગુણવત્તાયુક્‍ત સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્‍ક આપવામાં આવે છે.

નવા ૧૬ બેડના અત્‍યાધુનિક સર્જિકલ આઈસીયુથી હૃદયની જટિલ સર્જરી બાદ બાળકોને વધુ સારી સઘન સારવાર અને સતત તબીબી દેખરેખ ઉપલબ્‍ધ થશે. આ સુવિધાથી હોસ્‍પિટલની સારવાર ક્ષમતામાં વધારો થશે અને વધુ જરૂરિયાતમંદ બાળકોને નવજીવન આપવાનું સેવાકાર્ય વધુ વેગવંતુ બનશે.

ઉપસ્‍થિત માનનીય જસ્‍ટીસોએ હોસ્‍પિટલની મુલાકાત દરમિયાન અહીંની નિઃસ્‍વાર્થ સેવા, દર્દીઓ પ્રત્‍યેની સંવેદનશીલતા અને ઉચ્‍ચ કક્ષાની સારવાર વ્‍યવસ્‍થા નિહાળી ભાવવિભોર થયા હતા. તેમણે હોસ્‍પિટલના આ ઉમદા માનવસેવાના કાર્યની પ્રશંસા કરી આશીર્વાદ અને શુભેચ્‍છાઓ પાઠવી હતી.

આ નવું આઈસીયુ માત્ર હોસ્‍પિટલના વિસ્‍તરણનું પ્રતીક નથી, પરંતુ અનેક માસૂમ બાળકોને નવજીવન અને તેમના પરિવારોને નવી આશા આપવાની દિશામાં એક મહત્‍વપૂર્ણ સોપાન છે.

ટેમ્‍પલ ઓફ હિલિંગ - દિલ વિધાઉટ બીલ'' હોસ્‍પિટલ માનવસેવાના પોતાના પવિત્ર સંકલ્‍પને વધુ મજબૂત બનાવી રહી છે.

હોસ્‍પિટલ દ્વારા દેશના અન્‍ય ૧૧ રાજ્‍યો સાથે પણ એમઓયુ કરવામાં આવ્‍યા છે, જેના દ્વારા દેશભરના જરૂરિયાતમંદ બાળકોને અદ્યતન અને નિઃશુલ્‍ક હૃદય સારવારનો લાભ મળી રહ્યો છે.

(1:28 PM IST)