તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
માફિયા બેફામઃ પોલીસ ટૂંકી પડી
પોલીસ પર હુમલો લોહીલુહાણઃ ગુજરાતમાં નશા ડ્રગ્સ વિરોધી મહા-અભિયાનની ઘોષણા થઇ છેઃ દમ વગરના નેતાઓ મોટી મોટી વાતો કરે છે, પણ પોલીસ નશા માફિયાના માર ખાય છે
ગુજરાતમાં નશીલા પદાર્થો અને ડ્રગ્સના દૂષણને ડામવા માટે સરકાર અને તંત્ર દ્વારા ભલે મોટા-મોટા દાવાઓ અને મહા-અભિયાનોની ઘોષણાઓ કરવામાં આવતી હોય, પરંતુ વાસ્તવિકતા અત્યંત કડવી અને ચિંતાજનક છે. એક તરફ રાજ્યમાં ડ્રગ્સ વિરોધી અભિયાનોની વાતો ગુંજે છે, તો બીજી તરફ નશા માફિયાઓ એટલા બેફામ બની ગયા છે કે કાયદાના રક્ષકો પર જ જીવલેણ હુમલા કરવાથી પણ ખચકાતા નથી. ગુજરાત માટે આ દ્રશ્યો શરમજનક અને ચિંતાજનક છે.
તાજેતરના અહેવાલો અને દ્રશ્યો દર્શાવે છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી નાજુક બની છે અને તંત્રની કાર્યક્ષમતા સામે કેવા ગંભીર સવાલો ઊભા થયા છે. જામનગરમાં નશીલા પદાર્થો અંગે દરોડા પાડવા ગયેલી એન્ટી નાર્કોટિક્સ વિંગની પોલીસ ટીમ પર થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર તંત્રની પોલ ખોલી નાખી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, બાલાજી પાર્ક વિસ્તારમાં નશીલા પદાર્થો સંબંધિત બાતમીના આધારે પોલીસ કર્મચારીઓ કાર્યવાહી કરવા પહોંચ્યા હતા. દરોડાની કામગીરી દરમિયાન અચાનક ટોળાએ પોલીસ પાર્ટી પર હુમલો કરી દીધો અને બેફામ પથ્થરમારો કર્યો, જેમાં બે પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા. ઈજાગ્રસ્ત પોલીસ જવાનોના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી અને લોહીલુહાણ હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યારે અન્ય કર્મચારીઓને પણ ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના માત્ર એક શહેર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર સિસ્ટમની નિષ્ફળતાનો અરીસો છે. જ્યારે ફરજ પર હાજર પોલીસ જવાનો જ નશાના સોદાગરો સામે સુરક્ષિત ન હોય અને તેમને માર ખાવો પડે, ત્યારે સામાન્ય નાગરિકોની સુરક્ષાની તો વાત જ શું કરવી? ઘટના બાદ વિસ્તારમાં કોર્ડન કરીને સઘન કોમ્બિંગ અને હુમલાખોરોની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાના દાવા થાય છે, પરંતુ સવાલ એ છે કે આવા તત્વોમાં કાયદાનો ડર કેમ નથી રહ્યો?
રાજકીય મંચો પરથી નશામુક્ત સમાજ અને ડ્રગ્સ સામે કડક કાર્યવાહીની મોટી-મોટી વાતો કરનારા નેતાઓની નિષ્ક્રિયતા અને નબળાઈ પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર છે. માત્ર જાહેરાતો અને કાગળ પરના અભિયાનોથી નશા માફિયાઓનું નેટવર્ક તૂટતું નથી. તેના માટે મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ, કડક કાયદાકીય અમલ અને પોલીસ તંત્રને પૂરતી તાકાત તથા રક્ષણ આપવાની જરૂર છે. હાલના દ્રશ્યો જોતાં એવું લાગે છે કે નેતાઓ અને તંત્ર બંને નશા માફિયાઓ સામે નબળા અને દમ વગરના સાબિત થઈ રહ્યા છે, જે ગુજરાતના ભવિષ્ય અને યુવાધન માટે અત્યંત ખતરનાક સંકેત છે.
ડ્રગ્સ વિરોધી અભિયાનના નામે નાટક ચાલે છે. વાસ્તવમાં સમગ્ર ગુજરાતમાં તમામ પ્રકારના ગેરકાયદે નશા અને ગુન્હાખોરી સામે મહાકાય ઓપરેશનની જરૂર છે. આ સ્થાને અનેક વખત ઉલ્લેખ કરાયો છે કે પરપ્રાંતીય અને વિધર્મી ભયાવહ પ્રવળતિએ ગુજરાતમાં ભરડો લીધો છે, પણ શાસકોમાં કોઇ ગંભીરતા જોવા મળતી નથી. નેતાઓ મોટીમોટી વાતો કરે છે અને ગુજરાત પોલીસ ગુંડાઓના માર ખાયને લોહીલુહાણ બને છે. ગુજરાતીઓ, આ અતિ ગંભીર સ્થિતિ અંગે ચિંતન કરશો તો....
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
