તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Wednesday, 18th November 2026
જ્ઞાતિપ્રેમ અચાનક ઉફાણે આવ્યો!
જ્ઞાતિના સી.એમ.થી માંડીને માફામાફીના ખેલઃ રાજકીય જીવડા પડમાં આવ્યાઃ નેતાઓને ખરેખર જ્ઞાતિપ્રેમ હોય તો પોતાના સમાજને નશામુકત, ગરીબીમુકત, શોષણમુકત બનાવવાની ઘોષણા કરે
ગુજરાતમાં લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક બની ચૂકી છે. નશાકારક પદાર્થોના વ્યાપથી સામાન્ય જનજીવન ત્રાહીમામ પોકારી ગયું છે. આ ગંભીર હાલાકીમાં કોઈપણ ભેદભાવ વિના દરેક જ્ઞાતિ અને સમાજના સામાન્ય લોકો બરબાદ થઈ રહ્યા છે. શાસનમાં કે વિપક્ષમાં રહેલા એક પણ નેતાને પોતાના સમાજના બરબાદ થતા પરિવારો અંગે જીવ બળતો નથી.
આ પરિસ્થિતિ વચ્ચે, ગુજરાતમાં માથા પર આવી રહેલી ધારાસભાની ચૂંટણીઓને પગલે નેતાઓની જમાતમાં અચાનક ‘જ્ઞાતિપ્રેમ' ભારે ઉફાણે આવવા લાગ્યો છે. પોતાના અંગત સ્વાર્થ અને ખુરશી ખાતર રાજકીય જીવડાંઓ ફરીથી સક્રિય થઈને પોતાના જ સમાજને ખોતરવા લાગ્યા છે.
મોટાભાગના નેતાઓ માત્ર જ્ઞાતિના સમીકરણો અને જાતિગત મતબેંકના આધારે ચૂંટણી લડે છે. મતદાન પૂર્ણ થયા પછી તેઓ પોતાના જ સમાજને તડકે મૂકી દે છે. પરંતુ ફરી જેવી ચૂંટણી નજીક આવે છે કે તરત જ તેમનો સ્વાર્થીલો સમાજપ્રેમ ફરીથી જાગી જાય છે. આજે ગુજરાતમાં જ્ઞાતિના મુખ્યમંત્રીથી માંડીને પૂર્વ મુખ્યમંત્રીઓની માફામાફી અને એકબીજાને બચાવવાના હલકા ખેલ શરૂ થઈ ગયા છે. જ્ઞાતિવાદના નામે આ નેતા અને નેતીઓ ભોળી પ્રજાને મૂરખ બનાવીને પોતાની રાજકીય દુકાનો ચલાવી રહ્યા છે. કમનસીબે આપણા સમાજના લોકો પણ આ રાજકીય નાટકનો ભોગ બનવા માટે હંમેશાં તૈયાર રહે છે.
આવી ગુલામ માનસિકતા સીધી પતનની તરફ લઈ જાય છે. જે નેતાઓ પોતાના રાજકીય પદ માટે સમાજનો ઉપયોગ કરે છે. મોટાભાગના નેતાઓ અને તેમના મળતિયાઓ તો આર્થિક રીતે અત્યંત સમળદ્ધ અને સુખી બની ગયા છે, જ્યારે બીજી તરફ તેમના જ સમાજના સામાન્ય પરિવારો રોજબરોજ પીસાઈ રહ્યા છે.
ગુજરાતમાં પ્રવર્તતી વ્યાજખોરી, ગુંડાગીરી અને નશાખોરીના ત્રાસ સામે એક પણ નેતા કે નેતી પોતાના સમાજને બચાવવા માટે આગળ આવ્યા નથી. ઘણાં નેતાઓ તો પોતાનો સમાજ બરબાદ થાય તે દિશામાં અંદરખાને સક્રિય હોય છે. બરબાદીનો આ સીલસીલો દાયકાઓથી ચાલે છે, પણ લોકો હજુ સમજતા નથી.
હવે સમય આવી ગયો છે કે સામાન્ય જનતા સંપૂર્ણપણે જાગળત બને. લોકોએ હવે મૂરખ બનવાને બદલે જ્ઞાતિના નામે મત માંગવા આવતા આવા સ્વાર્થી રાજકીય જીવડાઓનો સખત બહિષ્કાર કરવો જોઈએ. જનતાએ પોતાના નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં લલકારીને કહેવું જોઈએ કે જો તમને ખરેખર જ્ઞાતિપ્રેમ હોય, તો માત્ર વાતો કરવાને બદલે આપણા સમાજને નશામુક્ત, ગરીબીમુક્ત અને શોષણમુક્ત બનાવો. સમાજને વ્યાજખોરોના અને ગુંડાઓના ત્રાસથી કાયમ માટે મુક્ત કરાવો. જ્યારે જનતા જાગીને આવા નેતાઓને સાચા અર્થમાં જવાબદાર ઠેરવશે, ત્યારે જ આપણું ગુજરાત ખરા અર્થમાં સુખી, સમળદ્ધ અને સલામત બની શકશે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
