<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

મેડિકલઃ વિશ્વાસ વેન્‍ટીલેટર પર..

નકલી-અસલી બંને તબીબો ખેલાડી.. ગુજરાતમાં નકલી તબીબોના રાફડાઃ અસલી તબીબો પણ શંકાના ઘેરામાં: જેનરિક દવાના વેચાણમાં ગુજરાત છેલ્લેઃ દવાના ખેલ મોટા પાયે ચાલતા હોવાની શંકા

 

 

   ગુજરાતના આરોગ્‍ય ક્ષેત્રે વિશ્વાસનો શ્વાસ રૂંધાવા લાગ્‍યો છે. સરકારની કડક નીતિનો અભાવ સ્‍પષ્ટ દેખાઇ રહ્યો છે. અજ્ઞાની અને અજાણ દર્દીઓ લૂંટાઇ રહ્યા હોય તેવો માહોલ જામ્‍યો છે. સરકાર પ્રેક્ષક બનીને જોઈ રહી છે.

ગુજરાત સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રે મોડેલ સ્‍ટેટ હોવાના મોટા દાવા કરે છે, પરંતુ આ મોડેલની પાછળ  છુપાયેલી વાસ્‍તવિકતા અત્‍યંત દયનીય અને ચિંતાજનક  છે. રાજ્‍યમાં એક તરફ ડિગ્રી વિનાના નકલી તબીબો બેફામ બનીને સામાન્‍ય માનવીના સ્‍વાસ્‍થ્‍ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે, તો બીજી તરફ વ્‍હાઈટ કોલર ગણાતા અસલી ડોક્‍ટરો પણ ફાર્મા કંપનીઓની લાલચમાં ફસાઈને ગંભીર શંકાના ઘેરામાં આવી ગયા છે. આ બેવડી વ્‍યવસ્‍થાકીય નિષ્‍ફળતા વચ્‍ચે ગરીબ અને મધ્‍યમ વર્ગના દર્દીઓ બેરહેમીપૂર્વક પીસાઈ રહ્યા છે. 

રાજ્‍યભરમાં હાલ નકલી તબીબો સામે મેગા ડ્રાઈવના નામે માત્ર દેખાડા જેવાં પગલાં ભરાઈ રહ્યા છે, જેમાં માત્ર ૧૫ દિવસમાં ૩૮ બોગસ ડોકટરો પકડાયા હોવાનો દાવો થાય છે. આ આંકડો માત્ર હિમશીલાની ટોચ સમાન છે. સવાલ એ થાય છે કે ગામડાંઓથી લઈને શહેરોના નાકા સુધી ફેલાયેલા આ નકલી તબીબોના રાફડા સામે પ્રશાસનની નીતિ આટલી નરમ અને ઢીલી કેમ છે? કડક કાયદાકીય અંકુશ અને સતત મોનિટરિંગના અભાવે જનજીવન સાથે રમત રમાઇ રહી છે.

જ્‍યારે બીજી બાજુ, અસલી તબીબોની નૈતિકતા પણ કમિશન અને ગિફ્‌ટની આંધળી દોટમાં ધોવાઈ રહી છે. સરકાર દ્વારા ગરીબોને રાહત આપવા માટે ‘જનઔષધિ કેન્‍દ્રો' શરૂ કરાયા છે, પરંતુ ફાર્મા કંપનીઓની મસમોટી ગિફ્‌ટ અને મોંઘા પ્રિપેઈડ કમિશનના પ્રલોભનમાં ફસાઈને તબીબો જેનરિક દવાઓ લખવાનું ટાળી રહ્યા છે. 

આ નૈતિક અધપતનનું પરિણામ આંકડાઓ સ્‍પષ્ટ કરે છે. દેશના અન્‍ય મોટા અને વિકસિત રાજ્‍યોની સરખામણીમાં ગુજરાતમાં જેનરિક દવાઓનું વેચાણ અત્‍યંત શરમજનક સ્‍તરે નીચે છે. ઉત્તર પ્રદેશમાં ૩૨૦.૭૧ કરોડ અને છત્તીસગઢમાં ૨૯૬ કરોડનું જેનરિક વેચાણ થાય છે, તેની સામે ગુજરાતમાં આ આંકડો માંડ ૪૮.૮૩ કરોડ રૂપિયા પર અટકી જાય છે. આ આંકડા માત્ર વ્‍યવસાયિક અસંતુલન નથી, પરંતુ ફાર્મા માફિયાઓ અને તબીબો વચ્‍ચેના કોઈ મોટા આર્થિક ખેલ અને કૌભાંડ તરફ સીધો ઈશારો કરે છે. 

આરોગ્‍ય વિભાગના કાગળ પરના આદેશો અને ગ્રાઉન્‍ડ રિયાલિટી વચ્‍ચે મોટો ફરક છે. જો સરકાર ખરેખર ગરીબોના હિતની ચિંતા કરતી હોય તો માત્ર સરકારી પરિપત્રો બહાર પાડવાને બદલે ફાર્મા કંપનીઓ અને ડોક્‍ટરોની સાંઠગાંઠ પર લોખંડી અંકુશ લાવવો પડશે. જો કમિશનખોરી પર કડક કાર્યવાહી નહીં થાય, તો સસ્‍તી દવાઓના નામે ચાલતી આ યોજના માત્ર કાગળ પર જ વણાઈ રહેશે અને જનતા લૂંટાતી રહેશે.

(12:09 PM IST)