<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

રાજકીય ગતકડાઃ લોકો જાય તેલ..

લોકોના જીવલેણ પ્રશ્નો તડકે મૂકીને ભાજપ- કોંગ્રેસ મતની રાજનીતિમાં મશગુલઃ લોકતંત્ર જ નહિ, લોકોને પણ બચાવો

 રાજકોટ- સૌરાષ્‍ટ્ર માનવ સર્જિત તથા કુદરતી આફતોમાં ઘેરાઇ ગયા છે ત્‍યારે લોકોને ઉપયોગી થવાને બદલે રાજકીય ગતકડાં શરૂ થઇ ગયા છે. ભાજપ- કોંગ્રેસ બંને પક્ષો મતની રાજનીતિમાં અવાસ્‍તવિક પ્રશ્ને રાજનીતિના ખેલ કરી રહ્યા છે. લોકશાહી અને રાજકારણ વચ્‍ચેનો સીધો સંબંધ જનતાના કલ્‍યાણ સાથે હોવો જોઈએ, પરંતુ હાલની પરિસ્‍થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી  છે. કોંગ્રેસની વોટચોરીની લડત સામે ભાજપે લોકતંત્ર બચાવવાની લડત આદરી છે. આ  બંને રાષ્‍ટ્રીય પક્ષો વચ્‍ચે ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં સામાન્‍ય પ્રજાના વાસ્‍તવિક પ્રશ્નો કયાંક પાછળ છૂટી ગયા છે. સૌરાષ્‍ટ્રમાં શાસક- વિપક્ષ બંનેએ રાજકીય ગતકડાં આદર્યા છે.

ખાસ કરીને સૌરાષ્‍ટ્ર પંથક કુદરતી આફત દુકાળ તેમજ માનવસર્જિત આફતો અને ગુન્‍હાખોરીના ભરડામાં બુરી રીતે ફસાયેલો છે. ખેડૂતો, યુવાનો અને સામાન્‍ય નાગરિકો રોજબરોજની મુશ્‍કેલીઓ સામે ઝઝૂમી રહ્યા છે. આવી ગંભીર પરિસ્‍થિતિમાં લોકોની વહારે આવવાને બદલે શાસક અને વિપક્ષ બંને માત્ર રાજકીય ગતકડાં આદરીને બેઠા છે. પ્રજાના નાણાં અને સમયનો ઉપયોગ જનહિતના કાર્યોમાં થવો જોઈએ, તેના બદલે બંને પક્ષો પોતાની રાજકીય રોટલી શેકવામાં વ્‍યસ્‍ત છે. 

સૌરાષ્‍ટ્ર અને રાજ્‍યના અન્‍ય પ્રશ્નોના કોઈ પાર નથી. મોંઘવારી, બેરોજગારી, અને સુરક્ષા જેવા અનેક ગંભીર પ્રશ્નો હોવા છતાં કોઈ નેતાને તેની જરાય પડી નથી. નેતાઓ માત્ર પોતાના સ્‍વાર્થ માટેની રાજનીતિમાં ધંધે લાગ્‍યા છે, અને પ્રજાની વેદનાઓ તરફ આંખમિચામણા કરી રહ્યા છે. જ્‍યારે પક્ષો જનતાના વાસ્‍તવિક મુદ્દાઓને નજરઅંદાજ કરીને માત્ર સત્તા અને મતની રાજનીતિમાં મશગુલ બને, ત્‍યારે લોકતંત્રની સાચી ભાવના હણાય છે. 

આ પરિસ્‍થિતિમાં હવે જનતાએ જ જાગળત થવાની જરૂર છે. પ્રજાએ આવી સ્‍વાર્થી અને માત્ર દેખાડાની રાજનીતિનો સંપૂર્ણ બહિષ્‍કાર કરવો અનિવાર્ય છે. જો લોકો પોતાના મૂળભૂત અધિકારો અને જીવલેણ પ્રશ્નો પ્રત્‍યે ચૂપ રહેશે, તો નેતાઓ કયારેય સુધરશે નહીં. એટલા માટે સમયની માંગ છે કે માત્ર ‘લોકતંત્ર બચાવો'ના નારા લગાવવાને બદલે ખરા અર્થમાં‘લોકોને પણ બચાવો' અને જનતાના હિતને પ્રાથમિકતા આપો.

રાજકારણીઓને સુધારવાની જવાબદારી હવે લોકોએ જ ઉઠાવવી પડશે. લોકશાહીમાં લોકો જ સર્વોપરી હોય છે. નેતાઓની નમાલાવળત્તિ સામે લોકોએ જ મેદાનમાં આવવું પડશે. સમાજના પ્રશ્નો ઉકેલવા ફરજ પાડવી પડશે. ગતકડાબાજ રાજનીતિના ખુલ્લા બહિષ્‍કારના એલાનો થશે તો જ નેતાઓની આંખ ઉઘડશે.

(10:58 AM IST)