<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

ઝ-ઝૂમતા ગુજરાત... માનનું તો માન !

અન્‍ય રાજયો પણ ગુજરાત પર આંગળી ચીંધવા લાગ્‍યાઃ સવાલ રાજનીતિનો નહિ, નશાથી થતી બરબાદીનો છેઃ દારૂ-ડ્રગ્‍સ ધમધોકાર ઝડપાય છે, પણ નશો બંધ થતો નથી એ હકીકત છે..

પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માન દ્વારા ગુજરાત પર ડ્રગ્‍સ અને નશાના નેટવર્કને લઈને કરવામાં આવેલા તાજેતરના આક્ષેપોએ દેશના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. ખાસ કરીને રાજ્‍ય પર ડ્રગ્‍સ સપ્‍લાયના ગંભીર આરોપો લાગતા મામલો વધુ સંવેદનશીલ બન્‍યો છે. ભગવંત માનના આ નિવેદને માત્ર બે રાજ્‍યો વચ્‍ચે રાજકીય ઘમાસાણ જ નથી મચાવ્‍યું, પરંતુ  કાયદો અને વ્‍યવસ્‍થાની વાસ્‍તવિક સ્‍થિતિ સામે પણ મોટા સવાલો ખડા કર્યા છે.

ગુજરાતમાં કાગળ પર અને કાયદાકીય રીતે દારૂબંધી સંપૂર્ણપણે અમલમાં હોવા છતાં, હકીકત એ છે કે રાજ્‍યમાં વિદેશી દારૂ અને કરોડો રૂપિયાનું ડ્રગ્‍સ સતત પકડાઈ રહ્યું છે. દેશી દારૂની તો વાત જ ન પૂછો. પોલીસ અને સુરક્ષા એજન્‍સીઓ દ્વારા સમયાંતરે ડ્રગ્‍સનો મોટો જથ્‍થો જપ્‍ત કરવામાં આવે છે, જે તેમની સક્રિયતા  દર્શાવે  છે. પરંતુ આટલી મોટી કાર્યવાહી છતાં નશાનું નેટવર્ક જમીની સ્‍તરે અટકવાનું નામ લેતું નથી. આ વિષય માત્ર એકબીજા પર રાજકીય દોષારોપણ કરવાનો કે ચૂંટણીલક્ષી નિવેદનબાજી કરવાનો નથી, પરંતુ ગંભીરતાથી એ સ્‍વીકારવાનો છે કે ગુજરાતમાં ડ્રગ્‍સની સપ્‍લાય ચેઈન ખૂબ જ ઊંડે સુધી ફેલાઈ ચૂકી હશે.

અન્‍ય રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ પણ ગુજરાતની સુરક્ષા વ્‍યવસ્‍થા અને ડ્રગ્‍સના પ્રસાર સામે આંગળી ચીંધવા લાગે, ત્‍યારે તે સ્‍પષ્ટ સંકેત આપે છે કે સમસ્‍યા માત્ર સ્‍થાનિક કે સીમિત નથી રહી. આ આખો વિષય રાજનીતિનો નહીં, પરંતુ વહીવટી તંત્રની કડકાઈ અને કાયદો-વ્‍યવસ્‍થા સંભાળવાની ક્ષમતા અને ત્રેવડનો છે.  ગુજરાત જેવા રાજ્‍યમાં નશાનું નેટવર્ક મજબૂત બનતું  જાય અને તે સપ્‍લાયનું મુખ્‍ય કેન્‍દ્ર બનતું હોવાની છાપ ઊભી થાય, તો તે રાજ્‍ય અને દેશના યુવાધન માટે અત્‍યંત ચિંતાજનક બાબત છે.

આ દૂષણને ડામવા માટે માત્ર રાજકીય વાદ-વિવાદ કે દાવાઓ પૂરતા નથી, પરંતુ આંતર-રાજ્‍ય સહયોગ વધારીને ડ્રગ્‍સના આ મોટા નેટવર્કના મૂળ સુધી પહોંચવું અનિવાર્ય છે. સપ્‍લાય ચેઈનને સંપૂર્ણપણે નેસ્‍તનાબૂદ કરવા માટે સરકારી તંત્રએ કડક, પારદર્શક અને નિરંતર નક્કર પગલાં લેવા પડશે, જેથી યુવા પેઢીને બરબાદ થતી અટકાવી શકાય અને કાયદાના શાસનની સાચી પ્રતીતિ કરાવી શકાય.

ગુજરાતમાં નશા પર પ્રતિબંધ ભલે રહ્યો, પણ પ્રતિબંધ જેવું કશું રહ્યું નથી. નશાના કારણે અસંખ્‍ય પરિવારો બરબાદ થઇ રહ્યા છે. નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરીને જીવલેણ અકસ્‍માતો સતત વધી રહ્યા છે. નેતાગીરી કે તંત્ર આ સામે સક્રિય હશે, પણ પરિણામલક્ષી કાર્યનો અભાવ સ્‍પષ્ટ દેખાઈ રહ્યો છે. ગુજરાતને બરબાદ થતું અટકાવવું મહત્‍વની બાબત છે.

(10:26 AM IST)