<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

સોૈરાષ્‍ટ્રમાં નેતાગીરીનો પણ દુકાળ જાહેર કરો..

શાસક-વિપક્ષમાં માત્ર હા-જી-હા નેતા-નેતીઃ કાયદો વ્‍યવસ્‍થાના ઠેકાણા નથીઃ અધિકારીઓ મરજી પ્રમાણે રાજ કરે છેઃ પાણી વીજળીની અછતઃ ધંધા-રોજગાર અઘરા, સહન કરો મરો..

કોંગ્રેસે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. રાજકોટમાં કોંગ્રેસ નેતા સુરજેવાલાએ રાજનીતિ ગરમ કરીને સૌરાષ્‍ટ્રને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવા માંગણી કરી છે. પાણી, વીજળીની અછત મુદે ભાજપ ઘેરાઇ શકે છે. ભાજપીઓએ સુરજેવાલાની ઝાટકણી કાઢી છે. શાસક- વિપક્ષ બંને રાજકીય દ્રષ્ટિકોણથી સક્રિય છે, વાસ્‍તવમાં રાજકોટ કે સૌરાષ્‍ટ્રની સમસ્‍યાઓમાં રસ નથી.

સૌરાષ્‍ટ્ર નેતાગીરીની ભારે દરિદ્રતા ભોગવી રહ્યું છે. કુદરતી દુકાળ તો સૌરાષ્‍ટ્રવાસીઓએ ઘણો જીરવ્‍યો છે, પરંતુ વર્તમાન સમયમાં અહીં ‘નેતાગીરીનો દુકાળ' ચરમસીમાએ પહોંચ્‍યો છે. પ્રજાના પ્રાણપ્રશ્નો ઉકેલવાને બદલે શાસક કે વિપક્ષラબંને પક્ષના નેતા અને નેતીઓ માત્ર મોવડી સમક્ષ ‘હા-જી-હા' કરવામાં અને પોતાની ખુરશીઓ સાચવવામાં જ વ્‍યસ્‍ત છે. લોકશાહીમાં વિપક્ષ પણ નિષ્‍ફળ સાબિત થયો છે કે પ્રજાના અવાજને વાચા આપનારૂ કોઈ રહ્યું નથી.

સૌરાષ્‍ટ્રનું હૃદય ગણાતું રાજકોટ શહેર અને આસપાસના વિસ્‍તારો  અરાજકતાનો ભોગ બન્‍યા છે. કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ સાવ કથળી ગઈ છે. ગુનાખોરી, અસામાજિક તત્‍વોનો ત્રાસ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાંગળા સાબિત થતાં બ્‍યુરોક્રેટ્‍સ એટલે કે અધિકારીઓ પોતાની મરજી મુજબ રાજ ચલાવી રહ્યા છે. પ્રજાપ્રતિનિધિઓનો વહીવટ પર કોઈ અંકુશ જ રહ્યો નથી. પ્રજાની રજૂઆતો અધિકારીઓની ફાઈલોમાં ધૂળ ખાતી પડી રહે છે અને નેતાઓ માત્ર ઉદઘાટનો કરવામાં કે આશ્વાસનો આપવામાં મસ્‍ત છે.

અત્‍યાધુનિક વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્‍ચે સૌરાષ્‍ટ્ર આજે પણ પાણી અને વીજળી જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે તરફડી રહ્યું છે. ચોમાસામાં જળાશયો છલકાઈ જવા છતાં સિંચાઈ અને પીવાના પાણીની યોગ્‍ય વિતરણ વ્‍યવસ્‍થાના અભાવે જનતા તરસ્‍યા રહે છે. ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં વીજકાપ અને લાઈટના ધાંધિયા સામાન્‍ય બની ગયા છે, જેની સીધી અસર નાના ઉદ્યોગો અને ધંધા-રોજગાર પર પડી રહી છે.

રાજકોટનો રંગીલો અને ખમીરવંતો વેપારી વર્ગ આજે મંદી, આકરા કરવેરા અને દાદાગીરી વચ્‍ચે ઘેરાયેલો છે. નવા ઉદ્યોગો આવતા નથી અને જૂના ધંધા ભાંગી રહ્યા છે. યુવાનો માટે રોજગારીના કોઈ નક્કર અવસર બચ્‍યા નથી. શાસકોના પેટનું પાણી પણ હલતું નથી જાણે પ્રજા માટે એક જ વિસામો બાકી રાખ્‍યો હોયラસહન કરો અને મરો.

સૌરાષ્‍ટ્રની ખમીરવંતી જનતાએ હવે જાગવાનો સમય આવી ગયો છે. ત્રેવડ વગરના નેતાઓને તેમની ઓકાત બતાવવી પડશે, નહીંતર આ ‘હા-જી-હા' કરનારી નેતાગીરી આખી ધરાને બરબાદીના આરે પહોંચાડી દેશે. સૌરાષ્‍ટ્રમાં જાહેર જીવનમાં નવી ચેતના સર્જવાનો આ ઉત્તમ સમય છે. સ્‍વહિત કે પક્ષહિતને બદલે સૌરાષ્‍ટ્રહિતને પ્રાધાન્‍ય આપીને તાકાતનું પ્રદર્શન કરે તેવી નેતાગીરી જરૂરી બની છે.

(11:22 AM IST)