<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

IPL ખેલાડી રમશે, સટોડિયા જીતશે!

ખેલ, કોૈશલ્‍ય, ગ્‍લેમર, વ્‍યવસાય અને સટ્ટાખોરીનો ગજબ સંગમઃ હાર્દિકની કાબરચીતરી વેષભૂષા સરકસના ડાગલા જેવી મનોરંજક બને છે

 

 ભારતમાં ક્રિકેટ હવે માત્ર રમત નથી રહી પરંતુ એક ઉત્‍સવ બની ગઈ છે. આઈપીએલ આ ઉત્‍સવનું સૌથી ગ્‍લેમરસ અને વ્‍યવસાયિક સ્‍વરૂપ  છે.  દર વર્ષે ઉનાળાની સીઝનમાં સ્‍ટેડિયમ પ્રેક્ષકોથી ભરાઈ જાય છે. આ રમત હવે ખેલ કૌશલ્‍ય અને રોમાંચની સાથે અબજો રૂપિયાનો વેપાર બની ગઈ છે. મેદાન પર ખેલાડીઓ પોતાની ક્ષમતા બતાવે છે અને જીતવા માટે પરસેવો પાડે છે. મેદાનની બહાર કોર્પોરેટ કંપનીઓ અને જાહેરાત જગત કરોડોની કમાણી કરે છે. આ એક એવો ચિત્ર-વિચિત્ર સંગમ છે જ્‍યાં રમત અને બજારની માયાજાળ એકસાથે જોવા મળે છે.

 આ લીગની સફળતા પાછળ તેની આધુનિક વ્‍યવસાયિક શૈલી જવાબદાર છે. બોલિવૂડ સ્‍ટાર્સ અને મોટા ઉદ્યોગપતિઓ ટીમોના માલિક હોવાથી ગ્‍લેમરનો તડકો ઉમેરાય છે. આઈપીએલના કારણે દેશના અર્થતંત્રને મોટો વેગ મળે છે અને પ્રવાસન ક્ષેત્ર ખીલે છે. ટેકનોલોજી અને ડેટા એનાલિસિસનો ઉપયોગ વધતા રમત વધુ સચોટ બની છે. નવી ભારતીય પ્રતિભાઓને વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે રમવાની તક મળે છે અને તેમને આર્થિક સુરક્ષા પ્રાપ્‍ત થાય છે. આ પ્‍લેટફોર્મથી રાષ્‍ટ્રીય ટીમને અનેક તેજસ્‍વી ખેલાડીઓ મળ્‍યા છે.

ફાયદા સાથે નુક્‍સાન પણ છે. ક્રિકેટના ફોર્મેટને નુકસાન પહોચે છે અને સટ્ટાખોરી ફુલેફાલે છે. ટૂંકા ફોર્મેટના અતિરેકથી ક્રિકેટના મૂળ સ્‍વરૂપને ગંભીર નુકસાન થઈ રહયુ છે. ખેલાડીઓ હવે ટેસ્‍ટ ક્રિકેટ અને વન-ડે મેચો કરતા ટી-૨૦ ને વધુ મહત્‍વ આપે છે. રમતની ટેકનિક અને ધીરજ કરતા પાવર-હિટિંગ અને આક્રમકતા પર વધુ ભાર મુકાય છે. તેની સાથે જ સટ્ટાબાજીનું દૂષણ પણ વ્‍યાપક બન્‍યું છે. ઓનલાઈન બેટિંગ એપ્‍સ દ્વારા યુવા પેઢી રાતોરાત પૈસાદાર બનવાના લોભમાં પાયમાલ થઈ રહી છે. ખેલાડીઓ મેદાન પર રમે છે અને સટોડિયાઓ બહાર જીતે છે તેવી સ્‍થિતિ સર્જાય છે.

આઈપીએલના ફાયદામાં આર્થિક વિકાસ અને રમતનું આધુનિકીકરણ મુખ્‍ય છે. નુકસાનની વાત કરીએ તો રમતનું પૂરેપૂરું વ્‍યાપારીકરણ થયું અને નૈતિક મૂલ્‍યોનું પતન થયું તે ચિંતાજનક છે. શિસ્‍તબદ્ધ રીતે જોતા આ રમત શ્રેષ્ઠ મનોરંજન પૂરું પાડે છે પરંતુ જુગાર અને ફિક્‍સિંગની આશંકા તેની પ્રતિષ્ઠાને કલંકિત કરે છે. અંતે તો ક્રિકેટની ગરિમા જળવાવી સૌથી વધુ જરૂરી છે. રમત માત્ર જીત-હાર સુધી મર્યાદિત ન રહેતા સ્‍પોર્ટ્‍સમેન સ્‍પિરિટ જાળવી રાખે તે અનિવાર્ય છે. હાર્દિક પંડ્‍યા જેવા ખેલાડીઓ કાબરચીતરા જેવા વેષ ભજવીને મેદાનમાં ઉતરે છે અને સરકસના જોકર જેવી ભૂમિકા ભજવીને વિશેષ મનોરંજન પૂરું પાડેલ છે.

(11:35 AM IST)