<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

ગાંધીજી રાજકીય બ્રાન્‍ડ બની ગયા!

બ્રાન્‍ડ હાઇજેક થઇ ત્‍યારે કોંગ્રેસને બ્રાન્‍ડ વેલ્‍યુનું ભાન થયું, હવે જીવ બળતરા

સમય પણ ગજબની રમૂજ કરે છે. ગાંધી જયંતી અને રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘનો સ્‍થાપના દિવસ એક જ દિને આવ્‍યા આ બંને સામ- સામા છેડા તરીકે ઉપસ્‍યા છે. એક પ્રવાહ તો એવો ચાલે છે કે જે સંઘ પર ગાંધી હત્‍યાનો આરોપ લગાવે છે. આ આરોપના કારણે સંઘે વર્ષો સુધી બદનામી સહન કરી હતી.

મહાત્‍મા ગાંધીજી આઝાદી ᅠસમયનું અસામાન્‍ય પાત્ર છે. તેમની લોકપ્રિયતા અને પ્રભાવ પ્રચંડ હતા. જો કે અહિંસા અને ઉદારતાના ગાંધીજી ના વિચારના વિરોધીઓનો પણ પાર ન હતો. મહાત્‍માજી લાંબાગાળા સુધી રાજકીય દૃષ્‍ટિએ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. સંઘ વિચાર ગાંધીવાદ વિરોધી હોવાનું એ સમયે પણ પ્રસ્‍થાપિત થઇ ગયું હતું.

આઝાદી બાદ નેહરુ શાસન અને ત્‍યારબાદ નેહરુવંશનો પ્રભાવ રહયો. આ પ્રભાવમાં ગાંધીજી માત્ર ઇતિહાસનું જ પાત્ર બની ગયા હતા. કોંગ્રેસને ગાંધીજીની વેલ્‍યુનો અંદાજ ન હતો.

સંઘ-ભાજપ ગાંધીવાદના વિરોધી મનાતા હતા. કોંગ્રેસ તો તેને ગાંધીજીના હત્‍યારા તરીકે જ ગણાવતી હતી. વર્ષો સુધી ગાંધીજી રાજનીતિમાંથી અલોપ થઇ ગયા હતા. માત્ર ગાંધીજયંતી-ગાંધી નિર્વાણ દિને જ યાદ કરાતા હતા. રાષ્‍ટ્રીયસ્‍તરે મોદિત્‍વનો ઉદય થયા બાદ ભાજપે કોંગ્રેસની પોૈરાણીક ગાંધીબ્રાન્‍ડને હાઇજેક કરી. મોદીજીએ આ બ્રાન્‍ડને વિશેષરૂપે રજૂ કરી, પોતાને ગાંધી ભકત તરીકે રજૂ કર્યા અને સફાઇ જેવા અભિયાનો રાષ્‍ટ્રીયસ્‍તરે ચલાવ્‍યા. 

કોંગ્રેસ ગાંધીજીને ભૂલી ગઇ હતી મોદીજીએ આ બ્રાન્‍ડને હાઇજેક કરીને નવેસરથી બ્રાન્‍ડિંગ કરીને લોન્‍ચિંગ કરતા કોંગ્રેસને આ બ્રાન્‍ડની વેલ્‍યુનું ભાન થયું. હવે ગાંધીજીને પોતાના ગણાવા કોંગીજનો હવાતિયા મારે છે. એક સમયે ગાંધીજીની હત્‍યાનો ખોફનાક આરોપ જેના પર હતો એ ભાજપ હવે ગાંધીજી ને કોંગ્રેસ દ્વારા થયેલા અન્‍યાય અંગે વૈચારિક આક્રમણ કરે  છે. કોંગ્રેસ બચાવમાં આવી ગઇ છે. બ્રાન્‍ડિંગની આ તાકાત છે.

ગાંધીબ્રાન્‍ડ જેવું જ સરદારમાં નથી થયું? ગુજરાતમાં મોદી સરકાર હતી ત્‍યારે  સરદાર વલ્લભાઇની વિરાટ પ્રતિમા બનાવીને કોંગ્રેસને સરદાર વિરોધી સાબિત કરી હતી. વાસ્‍તવમાં સરદાર કોંગ્રેસમાં નિર્ણાયક નેતા હતા.અને ગૃહપ્રધાન પદે રહીને ઇતિહાસ રચ્‍યો હતો.

ગુજરાતમાં થયેલો બ્રાન્‍ડિંગ પ્રયોગ મોદીજીએ દેશમાં પણ કર્યો. દરેક પ્રયોગમાં કોંગ્રેસ ફસડાતી જ રહી છે. રાજકીય  બ્રાન્‍ડિંગ એ તાકાત છે. પરંતુ  ઊંડાણથી ચિંતન કરો તો ઐતિહાસિક પાત્રો માટે સ્‍વાર્થીલો પ્રેમ સાબિત થાય. ગાંધી-ગાંધી થાય છે. પણ ગાંધીજીના એક પણ વિચારનો અમલ થતો નથી. ગુજરાતને સરદાર બ્રાન્‍ડની નહિ. સરદારની જરૂર છે. એક પણ નેતામાં છે,ત્રેવડ?   

(10:30 AM IST)