News of Thursday, 10th July 2025
બ્રિજ તૂટે,લોકો મરે, તેમાં શું?
નેતાઓની હાથ ઊંચા કરવાની પરંપરા જળવાઇઃ બે-ચાર અધિકારી ફીટ થશે, પ્રકરણ પૂરું !
આજે ગુરૂપૂર્ણિમા છે. ગુજરાત સરકાર અને ભાજપના નેતાઓ ભકિતભાવના નાટક કરીને પ્રસિધ્ધિ લેશે, મોટાભાગના મીડિયા મુજરા કરશે. સરકારનું મુખ્ય કર્મ લોકોની સુખાકારી વધારવી એ છે, પણ અતિ નબળા નેતાઓની ગુજરાત સરકારની બોદી નીતિથી નિર્દોષ લોકોના કમોત થાય છે. ધાર્મિક દૃષ્ટિએ આ મહાપાપ છે અને કાયદાની દૃષ્ટિએ આ ગુન્હો છે. જો કે નબળા નેતાઓના સબળા સુરક્ષા કવચના કારણે કંઇ થતુ નથી.
મધ્ય ગુજરાતથી સોૈરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડયો. ગંજાવર ટોલટેકસ ચુકવતા વાહનો પાણીમાં પડયા. નિર્દોષ લોકો ડૂબી મર્યા. આ શોકજનક અને શરમજનક ઘટનામાં ભકિતભાવવાળા ભાજપી મુખ્યમંત્રી અને નેતાઓએ હાથ ઊંચા કરવાની પરંપરા જાળવી રાખી.
પૂલ તૂટ્યા બાદ ભાજપી નેતાઓ તથા અધિકારીઓના નિવેદનો જોતા એવું લાગે કે આ જીવલેણ ઘટના માટે પણ કોઇ જવાબદાર નથી. ગુજરાતના લોકોની સહનશકિત એટલી હદે વધી ગઇ છે કે, મરી જાય છે છતાં પણ ગુજરાતીઓ કંઇ બોલતા નથી.
આ સ્થિતિ ભાજપીઓને ફાવી ગઇ છે. અતિ નબળા નેતાઓ જવાબદારી વગર ગુજરાતમાં સત્તાની મોજ માણતા રહે છે. રાજકોટનો અગ્નિકાંડ, મોરબીનો પુલકાંડ, વડોદરાનો નાવકાંડ અને ગઇકાલનો બ્રિજકાંડ... નિર્દોષોના જીવ લેતા કાંડ થાય ત્યારે મોદીજી ફોન કરીને દુઃખ વ્યકત કરે અને પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ લઇ લે છે.
દરેક મહાકાય કાંડોમાં શું બન્યું ? સરકારની ભૂલ કે સેટિંગના કારણે ગુજરાતીઓ ગુજરે ત્યારે હર્ષભાઇ સ્થળ પર પહોંચીને કાર્યવાહીના દેખાડા કરે. એકાદ મહિનો ગરમાગરમ નિવેદનો આપે. બાદમાં એકપણ ભાજપી નેતા જવાબદાર ન ઠરે. સેટિંગના ભાગરૂપે બે - પાંચ અધિકારી કે ટાબરિયાને ફીટ કરી દેવાય છે, મૃતકોના સ્વજનો માટે દાન આપતા હોય તેમ સહાયની ઘોષણા થાય. કેસ ચાલતા રહે અને લોકો પ્રકરણ ભૂલી જાય ત્યારે કેસ પણ નબળા પડી જાય.
આ પરંપરા શરૂ થઇ ગઇ છે. બ્રિજ કાંડમાં પણ સરકારે અને ભાજપે હાથ ઊંચા કરી દેવાથી પ્રકરણને આટોપવાનો પ્રારંભ કર્યો છે. બધું સેટિંગની ડિઝાઇન પ્રમાણે જ ચાલશે. તેવું લોકોમાં દુઃખ સાથે ચર્ચાઇ રહ્યું છે.
ગુલામ જેવા સહનશીલ લોકો હોય તેને આવા નેતાઓ જ મળે. ગુજરાતીઓએ કમોતે જિંદગીના ફિંડલા વાળવા માટે તૈયાર રહેવાનું જ છે. કયારે કોનો નંબર લાગી જાય તેનું નક્કી નથી. બ્રિજ તૂટ્યા બાદ દુઃખ વ્યકત કરી રહેલી પટેલ સરકારના નેતાઓ મનમાં વિચારતા હશે કે, બ્રિજ તો તૂટે, લોકો મરે તેમાં શું ? આટલો હોબાળો શા માટે ?
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
