તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
ભૂત નહિ, ભાવિ જુઓ
ગાંધી-ગોડસેના વિવાદો ખૂબ કર્યા, હવે ભારતે વાસ્તવિક ધરાતલ પર ઉર્જા વહાવવી પડશે
ભારત મહાન દેશ છે, પણ મહાનતા વ્યાપકરૂપે જોવા મળતી નથી. ઇતિહાસના પાત્રોને લઇને ભારતીયો સતત વિવાદો કરતા રહે છે અને ઉર્જા વેડફાઇ રહી છે. નેહરુ, સરદાર, ગાંધીજી, ગોડસે, સાવરકરથી માંડીને અને પાત્રો અંગે નિરંતર વિવાદો ચાલતા રહે છે. દરેક પાત્ર જે તે સમયે મહાન હોય છે. તેમની માનસિકતા અને ક્ષમતા પ્રમાણે તેમણે કાર્યો કર્યા હોય છે. આજે સમય સ્થિતિ બધું જ બદલાઇ ગયું છે.
આપણે વર્તમાન અને ભવિષ્યને નજરમાં રાખીને ઉર્જા વહાવવાની હોય છે.
આજે એક ઐતિહાસિક પાત્રનો જન્મદિવસ છે. ૧૯ મે ૧૯૧૦ના દિને નથુરામ ગોડસેનો જન્મ થયો હતો. આ પાત્રએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા કરી હતી. ગોડસેનો જન્મદિન કે પુણ્યતિથી હોય ત્યારે વૈચારિક વિવાદોના પુર ઘુઘવતા હોય છે.
આ મુદ્ા વિવાદી જ છે, પરંતુ વર્ષો સુધી માત્ર તર્ક-વિતર્ક જ કરતા રહેવાનો શું મતલબ? ગાંધીજીના ચાહકો ગોડસેનો સતત વિરોધ કરે છે. ગાંધીજી તેના વિચારો, પ્રયોગો, જીવનથી મહાન હતા. ગાંધી વિચારોની દરરોજ હત્યા થાય છે. તેનો ગાંધીવાદીઓને જરાપણ વાંધો નથી, ગાંધીજીની હત્યાનો જ તેમને વાંધો છે.
માત્ર ગાંધીવાદીઓ જ નહિ, દરેક વિચારધારાના સમર્થકો તથા વિરોધીઓની આ પ્રકારની દશા છે. વિચાર પ્રત્યે નિષ્ઠા કે સમજદારી હોતા નથી. માત્ર વિચારના સમર્થક હોય છે. આવા સમર્થકો વાસ્તવમાં વિવાદપ્રિય ગણાય.
પ્રાચીન- ઐતિહાસિક પાત્રો પોતાની ભૂમિકા ભજવીને વિદાય થઇ ગયા છે. આજનું ભારત આજની દુનિયા બદલાઇ ગઇ છે. ગાંધીજીના સત્યને ભારત આજે પણ મહાન માને જ છે. અહિંસાના વિચારને પણ શ્રેષ્ઠ જ ગણવામાં આવે છે. જો કે આજનું ભારત ઓપરેશન સિંદૂર ચલાવીને આતંકવાદીઓ પર મોતનું તાંડવ કરવાને પણ પુણ્યકાર્ય જ ગણે છે. આજે મહાત્માજી હોત તો તેઓ ઓપરેશન સિંદૂર સામે ઉપવાસ આંદોલન કરત? આવું કરે તો ભારતીયોનો વ્યાપક ટેકો તેમને મળે?
ગાંધીજીને ગાંધીવાદીઓ જ ઓળખી શકયા નથી. ગાંધીજીના વિચારો જડતાભર્યા ન હતા. સ્થિતિ પ્રમાણે પરિવર્તિત હતા. આ માટે જ ગાંધીજી કહેતા હતા કે હું જે છેલ્લે બોલું તેને સાચું માનજો. આ વિચારધારા પ્રમાણે ઓપરેશન સિંદૂર બદલ ગાંધીજી ભારતીય સૈન્ય અને સરકારને અભિનંદન પણ આપતા હોત તેવું અનુમાન અસ્થાને નથી.
ઐતિહાસિક પાત્રો તથા ઈતિહાસમાંથી પ્રેરણા લેવાની હોય છે. આજના સમય સ્થિતિમાં તેમના વિચારો કામ આવી શકે તો તેમનો ઉપયોગ કરવાનો હોય. આવા પાત્રો અંગે વિવાદો કર્યે રાખવાથી વ્યકિતગત અને દેશની બરબાદી સિવાય કંઇ હાથ લાગતું નથી.
દુનિયા બદલાઇ ગઇ છે. ભારત બદલાઇ રહયો છે. હવે ભારતીયોએ પણ પરિવર્તત થવું જરૂરી છે. પોતાની શકિતનો વર્તમાન સમયમાં સકારાત્મક ઉપયોગ કરવાનો છે. ભારતમાં જેટલા વૈચારિક વિવાદો ઘટતા જશે તેટલી તેની મહાનતા ઉજાગર થતો જશે, એ યાદ રાખજો. (૩.૨)
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
