<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

રાજકીય નહિ, રાષ્‍ટ્રીય દૃષ્‍ટિકોણ કેળવો

નેતાઓએ જ નહિ, લોકોએ પણ પક્ષીય રાજનીતિથી ઉપર ઉઠીને સક્રિય થવું પડશે

   અક્ષય એટલે જેનો ક્ષય ન થાય તે. ક્ષય થવું એટલે નાશ પામવું અક્ષય તૃતિયા પ્રારંભ થયેલા શુભ-વ્‍યાપકહિતના કાર્યોનો ક્ષય થતો નથી. આ કારણે આજના દિનને ઉત્તમ ગણવામાં આવે છે. પરશુરામજીનું પ્રાગટ્‍યથી માંડીને ગંગાજીનું અવતરણ આજના દિને થયું હતું.

આ મંગલ દિને અનેક સાધકો સાધના કરે છે, ધાર્મિક લોકો વિશેષ પૂજા-પાઠ-દર્શન કરે છે. આ વખતે અક્ષય તૃતિયા સમયે રાષ્‍ટ્રની વિશેષ સ્‍થિતિ સર્જાઇ છે. એવું લાગે છે કે ભારત ફરી ઇતિહાસ રચવા જઇ રહયો છે. આજના મંગલ દિને દરેક ભારતીય વ્‍યાપકહિતમાં વિશિષ્‍ટ સંકલ્‍પ કરવાની જરૂરત છે.

પહેલગામ ત્રાસવાદી હુમલા બાદ બરાબરનો બદલો લેવાનો સમય છે. માત્ર આતંકીઓને જ નહિ, તેના આકાઓને પણ જિંદગીભર યાદ રહી જાય તેવો પાઠ ભણાવવાની જરૂર છે. આ માટે સૈન્‍ય સરકાર સક્રિય છે જ, આ સમયે નાત- જાત- ધર્મ- પ્રાંતના ભેદ ભુલીને સમસ્‍ત ભારતીયોએ રાષ્‍ટ્રવાદનું વાવાઝોડું સર્જવું જોઇએ.

સાંસ્‍કૃતિક- ધાર્મિક વૈવિધ્‍યતા ભારતની વિશેષતા છે, પણ આઝાદીના સાત દાયકાનો અનુભવ એવો રહયો છે કે, આ વૈવિધ્‍ય ભારતની મોટી કમજોરી બની ગયું છે. દરેક બાબતને લોકો મુદ્‌ાના લાભના સ્‍વાર્થના દૃષ્‍ટિકોણથી મુલવે છે રાજકીય પક્ષો જ નહિ, સામાન્‍ય નાગરિકો પણ દરેક મુદ્‌ાને રાજકીય દૃષ્‍ટિકોણથી જ જોવાના વ્‍યસની બની ગયા છે.

આશ્‍ચર્ય તો એ છે કે, યુધ્‍ધ જેવી સ્‍થિતિ બની રહી છે. ત્‍યારે પણ વ્‍યાપકપણે વિચિત્ર વલણ જોવા મળે છે અમુક તત્‍વો વડાપ્રધાન મોદીજીને પાડી દેવા, હાસ્‍યાસ્‍પદ બનાવવા ધંધે લાગ્‍યા છે અને ભાજપી નેતાઓ તથા તેના સમર્થકો મોદી વિરોધી રાજકીય પક્ષો-નેતાઓને પાડી દેવાની તક ચુકતા નથી. દરેકનો રાજકીય દૃષ્‍ટિકોણ હોવો જ જોઇએ, પણ રાષ્‍ટ્રહિત કે વ્‍યાપકહિતની વાત આવે ત્‍યારે રાષ્‍ટ્રીય દૃષ્‍ટિકોણ જ હાવી થવો જોઇઅ. રાષ્‍ટ્રહિતમાં પણ રાજનીતિમાં કુંડાળામાં પડયા રહેવાથી દેશ નબળો પડે છે.

આ સમયે માત્ર રાજકીય નેતાઓએ જ નહિ, નાગરિકોએ પણ રાજકીય દૃષ્‍ટિકોણથી ઉપર ઉઠીને રાષ્‍ટ્રીય દૃષ્‍ટિકોણ જ કેળવવો પડશે. યુધ્‍ધની સ્‍થિતિ માં દેશ એક બનીને ધબકવો જોઇએ.

પાકિસ્‍તાનનો હંમેશા પ્રયાસ રહયો છે કે, ભારતમાં ચારેબાજુ ગૃહ યુધ્‍ધ ફાટી નીકળે અને દેશ બરબાદ થતો રહે. ભુતકાળમાં આ પ્રયાસમાં પાકિસ્‍તાન સફળ પણ રહયું છે. ભારતમાં વ્‍યાપકપણે રાજકીય સમજ કેળવવી પડશે. કોઇને દેશમાં ન ફાવતું હોય તો તેમણે અન્‍યત્ર વસવાટ કરવો જોઇએ.

અક્ષય તૃતિયાના પરમ પવિત્ર દિને આપણે બધા રાષ્‍ટ્રીય દૃષ્‍ટિકોણ ખીલે તેવો સંકલ્‍પ કરીએ. ભારતમાં સમજદારીની ગંગાજીનું અવતરણ થાય તેવી પરમ શકિતને પ્રાર્થના.

(12:23 PM IST)